ગુરુવારે રાજ્યમાં એક સાથે કોરોના વાયરસના 55 નવા કેસ સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાબડતોબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં બેઠક બોલાવી છે.
બેઠક દરમિયાન કોરોના વાયરસને કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિ અંગે સલાહ સૂચના માંગવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકોના ખાનગી ક્ષેત્રોના તબીબો સાથે મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરીને તેમની સલાહ અને સૂચનો મેળવી રહ્યા છે. આ ઉપરાંત મુશ્કેલીની ઘડીમાં તબીબો સરકાર સાથે ખભેખભો મિલાવીને જે કામ કરી રહ્યા છે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં જે તે જિલ્લાના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા છે. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસ નાથન તેમજ રાજય સરકારના વરિષ્ઠ સચિવો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય સાથે આ બેઠકમાં સહભાગી થયા છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં 15 જેટલા હૉટસ્પોટ પર વધુમાં વધુ ટેસ્ટ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી કોરોના વાયરસના નવા 55 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 241 થવા પામી છે. આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવીના જણાવ્યા પ્રમાણે આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ કેસની સંખ્યા વધી શકે છે. 55 નવા કેસમાંથી એકલા અમદાવાદમાં જ 50 નવા કેસ સામે આવ્યા છે. નવમી તારીખે ગુજરાતમાં કુલ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 241 પર પહોંચી છે. અત્યાર સુધી કુલ 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 26 લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે પર ગયા છે. આ સાથે આજની સ્થિતિમાં બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે.