ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪૫૪ જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ ૧૫.૫૮ ટકાથી વધીને ૩૨.૬૪ ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ ૩૦.૭૫ ટકા કરતાં પણ વધારે છે. આરોગ્ય અગ્ર સચિવ ડા.શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોરોનાની સારવારમાં જે મહત્વના પગલાં સમયસર લેવાયા છે તેને પરિણામે ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. પંજાબનો ડિસ્ચાર્જ રેટ ૯ % છે. પશ્ચિમ બંગાળનો ૨૧%, તામિલનાડુનો ૨૮%, ઓરિસ્સાનો ૨૧%, મહારાષ્ટ્રનો ૧૯%, ચંદીગઢનો ૧૪ % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ ૩૦.૦૯ % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ ૩૨.૬૪ ટકાએ પહોંચ્યો છે. ગુજરાતે કોરોના વાયરસના સંક્રમણને નાથવા આયોજનબધ્ધ - આગોતરા પગલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના માર્ગદર્શનમાં ભર્યા તેના પરિણામે રાજ્યનો ડિસ્ચાર્જ રેટ હવે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધ્યો છે.છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ ૨૬૬ જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં ૪૧ દર્દીઓ, સુરતમાં ૩૩, ભાવનગરમાં ૧૫, આણંદમાં ૧૭, ગાંધીનગર માં ૧૨, પંચમહાલમાં ૧૮, તથા મહેસાણા જિલ્લામાં ૧૨ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. આજે બનાસકાંઠામાં ૮, અરવલ્લીમાં ૬, મહિસાગરમાં ૫, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં ૩, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. આમ આજે રાજ્યમાં કુલ ૪૫૪ દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે.'