રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શનમાંઃ360 ડીગ્રીના 1278 CCTV કેમેરા લગાવ્યા

Webdunia
બુધવાર, 26 જૂન 2024 (16:40 IST)
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજયમાં અમલમાં છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે તેમજ આગામી રથયાત્રા દરમ્યાન મજબૂત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેરમાં જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા નાના મોટા તમામ દુકાનદારો, એસોશિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધીઓ દ્વારા અમદાવાદ શહેર પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. 

હવે શહેરમાં જાહેર રોડ પર ગુનો કરીને ભાગતાં આરોપીને પકડી પાડવા માટે હવે 360 ડીગ્રીના CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. આ અંગે એસપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે, CCTV પબ્લિક સેફટી પ્રોજેકટની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની ટેકનિકલ ટીમ દ્વારા સ્થાનિક પોલીસના સહયોગથી શરુઆત કરવામાં આવી ત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ પરની માત્ર 117 દુકાનો પર અંદર અને બહારનો વ્યુ આવરી લે તેવા CCTV કેમેરા લગાવેલ હતા. CCTV પબ્લિક સેફટી પ્રોજેક્ટના અમલીકરણ બાદ જન ભાગીદારીથી વધુ 1278 દુકાનોમાં નવા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારોમાં નવા 1161 કેમેરા કાર્યરત થયેલ છે.

રથયાત્રાના રૂટ પર આવતા મોટા જવેલર્સ, પેટ્રોલ પંપ અને મોટા શો-રૂમ દ્વારા પણ જન ભાગીદારીથી સારી કવોલીટીના 360 ડીગ્રીના CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં બાકી રહેલ 200થી વધુ દુકાન માલિકોને CCTV કેમેરા લગાડવા માટે સમજ કરવામાં આવેલ છે. જેથી આગામી સમયમાં 1500 થી વધારે કેમેરા લોકેશન આવરી લેવામાં આવશે. CCTV પબ્લિક સેફટી પ્રોજેકટ અંતર્ગત રથાયાત્રા રૂટ પર આવતા ત્રણ-ચાર રસ્તાને જોડતા તમામ રોડ/ગલી તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઇંટને પણ CCTV કેમેરાથી આવરી લેવામા આવેલ છે.જે દુકાન માલિકો દ્વારા હજુ સુધી પોતાના ધંધા-વ્યાપારના સ્થળો તેમજ રહેણાંક પર સારી ગુણવત્તાના CCTV કેમેરા લગાવેલ નથી તેઓને CCTV કેમેરા લગાડવા જાહેર સલામતી અધિનિયમ-૨૦૨૨ના નિયમો મુજબ લગાડવા તાત્કાલિક અનુરોધ છે.

સંબંધિત સમાચાર

Next Article