અમદાવાદ શહેરના વધુ એક જાણીતા બ્રાન્ડેડ પિઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરી હતી.
ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા માણકી સર્કલ પાસે એક્સપ્રેસ આઉટલેટમાં આવેલા રિયલ પેપ્રિકા પિઝા સેન્ટરમાં નિખિલ નામનો યુવક બર્ગર અને પિઝા ખાવા માટે ગયો હતો. તેણે એક બર્ગર અને પિઝાનો ઓર્ડર કર્યો હતો. તેને બર્ગર આપવામાં આવ્યું અને તેણે બર્ગરનો એક ટુકડો ખાધો હતો. ત્યારબાદ તેણે અંદર જોયું તો તેને કોઈ જીવાત હોય તેવું લાગ્યું હતું. જેથી તેણે બર્ગરની વચ્ચે જોતા ઈયળ નીકળી હતી. બર્ગરમાં ઈયળ નીકળી આવી હતી. ખાધેલું બર્ગર તેણે અધૂરું મૂકી દઈ તેણે ત્યાં હાજર મેનેજરને જાણ કરી હતી. રેસ્ટોરન્ટમાં બનતી અને આપવામાં આવતી ચીજવસ્તુઓમાં જીવજંતુઓ નીકળતા હોવા અંગેની તેમણે ફરિયાદ કરી હતી. યુવકે બર્ગરમાં નીકળેલી જીવતી ઈયળ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી છે. છેલ્લા બે મહિનામાં ચારથી પાંચ જેટલા બ્રાન્ડેડ પિઝા સેન્ટરોમાંથી કોઈ ને કોઈ જીવાત નીકળવાના કિસ્સા જ્યારે સામે આવ્યા છે. હવે તો જો કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડેડ પિઝા સેન્ટરમાં પિઝા બર્ગર સહિતની ચીજવસ્તુઓ ખાવા જતા હોય તો તેમણે બહારનું જ ખાવાનું બંધ કરી દેવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા બ્રાન્ડેડ પિઝા સેન્ટરોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ માત્ર 10થી 15,000નો દંડ કરી અને કાર્યવાહીનો સંતોષ માની લે છે.