દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.
એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.
દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.
દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે..