આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો અનોખો મહિમા

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:37 IST)
ઉત્તરાયણનો પર્વનો અનોખો મહિમા અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તરાયણના દિને આદિવાસી ભાઈઓ ઢોલ વગાડી મુખીના ઘેર ભેગા થઈ સુકન જોઈ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળુ તથા ઝાડ ઉપર દેવ ચકલીને શોધે છે. કાળી ઉભી પુંછડીવાળી દેવચકલીને પુંછડી નીચે કલગી હોય છે. તેને તે પુજનીય ગણે છે. તેને પકડવા માટે તેની પાછળ પડી તેને થકવી નાખી પછી પકડીને કંકુ ચોખાથી પૂજન કરે અને ઘેર-ઘેર ફરી સૌને દર્શન કરાવે છે. દેવ ચકલી હાથમાંથી ઉડયા પછી ક્યાં બેસે તે અગત્યની છે. તેના ઉપરથી આગલા વર્ષની આગાહી થાય છે. દેવચકલી કોઈ સુકા ઠુઠા ઝાડ કે લાકડા ઉપર બેસે તો વર્ષ સુકુ આવશે અને જો લીલા ઝાડ વેલો કે લાકડા પર બેસે તો વર્ષ લીલુ આવશે અને વાડ ઘર કે જમીન ઉપર બેસે તો વર્ષ મધ્યમ આવશે. તેવી આગાહી કરવામાં આવે છે.હવે એક વિચિત્ર ઘટના એવી છે કે આ વિધિમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાય છે. બપોરે બાળકો પતંગ ચગાવે તો યુવાન ભાઈઓ સમૂહમાં ચમારના ત્યાં જઈ ચામડાના કવરમાં કપડાંના ડુચા, ગાભા કરી વોલીબોલ જેવો દડો બનાવે છે. બાદ દરેક વ્યકિત હાથમાં હોકી જેવું ધોખલું લઈ તેને ફટકારે છે. સાથે હાકલા પડકારતા હાકોટા જોઈ ગમે તેવા યુવાનોને સુરાતન ચડી જાય છે. આ રમત જોવા હજારો લોકો મેઘરજ અને શામળાજી, ખેડબ્રહ્માના ડુંગરો ઉપર બેસીને હર્ષ આનંદ અને કીકીયારો પાડી રમનારને પ્રોત્સાહન આપે છે.આ રમત રમનારાઓ એટલા આવેશમાં આવી જાય છે કે પગના ઢીંચણ કે કોણીઓ ઘસાઈ જાય તેની પરવા કરતા નથી અને આ ચામડીનો દડો તુટી નહી જાય ત્યાં સુધી રમતો ચાલુ રાખે છે.આ રમતનું રહસ્ય એવું છે કે આ ચામડાનો દડો તુટી અને ડુચા નીકળી જાય એટલે ગામના મુખીના મકાને ઠોઠા અને ઘી લઇને જાય અને તુટી ગયેલા ગાભાના ઉપરથી ઘી નાખી બાફેલા ઠોઠા નાંખી આ દડાને અગ્નિદાહ દેવામાં આવે છે. પછીથી આ ઉત્સાહને નિહાળી આવતી ઉત્તરાયણ વહેલી આવજો સુખ શાંતિ લાવજો એવી કામના કરે છે અને સૌ કોઈ પરસ્પર એની ખુશાલીમાં મકાઇના ઠોઠા વેચી નાસ્તો કરી થાક ઉતારવા બેસ ેછે. અને જુના વેર ભુલી જઈ નવા સંબંધ પ્રસ્થાપિત કરે છે.
Next Article