ગુજરાતમાં કેબિનેટની બેઠકમાં નર્મદાના પાણી અંગે ભાજપના મંત્રીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. કેબિનેટની મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતું નથી તેવી વ્યથા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વ્યક્ત કરી હતી. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાીણીએ પાણી વધારે છોડીને પણ ખેડૂતોને પિયત માટે એક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્ય સચિવને તાકીદ કરી હતી. કેબિનેટની બેઠકમાં નર્મદાના પાણીની પાઇપ તોડી નાખવામાં આવે છે, વાલ્વ તોડી નાખવામાં આવે છે, પાણી ચોરી માટે કેટલાક તત્ત્વો અવનવાં નુસખા અપનાવતા હોવાથી આગળના વિસ્તારમાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કરી હતી. સાથેસાથે સૌરભ પટેલે પણ કહ્યું, મારા બોટાદમાં પણ પાણીની સમસ્યાની અનેક વખત ફરિયાદ મળી હતી. મેં રૂબરૂમાં જઈ અડચણો દૂર કરાવી હતી. આ સાથે સીએમએ મુખ્ય સચિવ જે.એન. સિંઘને પાણી પહોંચાડવા માટે તાકીદે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ આગળના વિસ્તારમાં પાણી ઓછું પહોંચતું હોય તો ખેડૂતોને એક પિયત માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થાની સૂચના મુખ્ય સચિવને આપી હતી. આ પછી મુખ્ય સચિવે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બોટાદ અને રાજકોટના કલેક્ટરોને એસઆરપી કે અન્ય સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડે તો તે પણ મેળવીને પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો.