: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શાહ ૧૭ ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. નવરાત્રિના આરંભે 17 ઓક્ટોબરથી 19 ઓક્ટબર દરમિયાન પરિવાર સાથે ગુજરાતમાં રોકાણ કરશે. લોકડાઉન બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
અમિત શાહ અને તેમના પરિવારે નવરાત્રિ પ્રસંગે બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શને જવાની પરંપરા અચૂક જાળવી રાખી છે. 17 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિના બીજા નોરતે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેમને ગુજરાત આવ્યે ઘણો સમય થઈ ગયો હોવાથી તેઓ અહીં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. આ બે દિવસ શાહ માત્ર પરિવાર સાથે જ રહેશે. માત્ર ગણતરીના જ ભાજપના નેતા તેમની ઔપચારિક મુલાકાતે આવી શકે છે, તે સિવાય તેઓ કોઈ રાજકીય કામ આ દરમિયાન કરશે નહીં. છતા અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.