મોદીના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા 600થી વધુ બસો ફાળવાઇ, હજારો મુસાફરો અટવાયા

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (13:34 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હોવાથી તેઓના વિવિધ કાર્યક્રમોમાં લોકોની ભીડ એકત્ર કરવા માટે એસ.ટી.નિગમની ૬૦૦થી પણ વધુ બસો ફાળવી દેવાઇ છે. 6 વિભાગમાંથી વિભાગદીઠ 100 બસો ફાળવાતા જે તે વિભાગમાં બસોની તંગી સર્જાતા કેટલાક રૂટો રદ કરવાની ફરજ પડશે. તેમજ ઓછી બસો મૂકવવામાં આવતા આજે હજારો મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે. અમદાવાદ, ગોધરા, વલસાડ, વડોદરા, નડિયાદ અને ભરૂચ એસ.ટી.વિભાગમાંથી 600થી પણ વધુ બસો વડાપ્રધાનના આજના કાર્યક્રમો માટે ફાળવાતા મુસાફરો આજે ગુરૂવારે રઝળી પડે તેવી નોબત આવી પડી છે. ખાસ કરીને નોકરીયાત, વિદ્યાર્થીવર્ગ તેમજ ધંધાર્થે બસોમાં મુસાફરી કરતા લોકો હાલાકી ભોગવવી પડશે. તેઓએ નાછૂટકે ખાનગી વાહનોની મુસાફરી કરવી પડશે. બસો જુનાગઢ અને વલસાડ તરફ મોકલવાની હોવાથી ગુરૂવારે બસોની સંભવિત તંગીને જોતા એસ.ટી.નિગમ દ્વારા કેટલાક બસ ડેપોમાં મુસાફરોને સહકાર આપવાની અપીલ કરતા લખાણો પણ લખી દેવાયા છે. ગાંધીનગર એસ.ટી.ડેપોમાં મુસાફરોને ઉદ્દેશીને લખાયું હતું કે આવતીકાલે ગુરૂવારે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમોમાં બસો ફાળવી દેવાઇ હોવાથી બસો ઓછી છે. તેથી મુસાફરજનતાએ સાથ-સહકાર આપવો. નોંધપાત્ર છેકે દર વખતે સરકારી કાર્યક્રમોમાં અગાઉથી જાણ કર્યા વગર જ એસ.ટી. બસો બારોબાર ફાળવી દેવાતી હોવાથી મુસાફરો અધવચ્ચે રઝળી પડતા હોય છે. અને રોષે ભરાયેલા મુસાફરો વિવિધ ડેપોમાં હંગામો પણ મચાવતા હોય છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article