રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઘટાડવા ગાયની નસલ-ઓલાદ સુધારવા અને સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી-લિંગ વર્ગીકૃત વીર્ય ટેકનિક અપનાવીને વાછરડીનો જન્મ દર વધારવા તથા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિના મૂલ્ય ગાય આપવા મહત્વના સૂચનો કર્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, વરિષ્ઠ અધિકારીઓ અને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં કેટલીક પાંજરાપોળ અને ગૌશાળાઓ ગૌમાતાની સેવા જાણે કે પોતાના માતા-પિતાની કરતા હોય એટલી સારી સેવા કરે છે. આવી પાંજરાપોળો-ગૌશાળાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે સંસ્થાઓ ખોટું કરે છે તેમની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગાયની નસલ સુધરશે, તેની ઉત્પાદન ક્ષમતા વધશે તો ગાય વધુ ઉપયોગી બનશે અને તો જ પાંજરાપોળ-ગૌશાળાનું ભારણ ઓછું થશે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સંપૂર્ણપણે દેશી ગાય આધારિત ખેતી છે. આ માટે ગૌમૂત્ર અને ગાયનું છાણ-ગોબર જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતોને ગાય જોઈએ તે પાંજરાપોળ અને ગૌશાળા વિનામૂલ્યે આપે એવી યોજના બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ સંસ્થાઓને અનુરોધ કરતાં તેમણે કહ્યું કે, જે ખેડૂતોને આવી ગાયો જોઈએ છે તેની યાદી તૈયાર કરો અને જે તે વિસ્તારની પાંજરાપોળ- ગૌશાળાઓમાંથી ગાયો મેળવવામાં મદદ કરો. જો આવું થશે તો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ તો વધશે જ ગૌમાતા પણ ઘરના ખૂટે જશે. આ માટે યોગ્ય યોજના તૈયાર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વાછરડાના પ્રમાણમાં વાછરડીનો જન્મદર વધારવા પશુ પ્રજનનમાં સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી અપનાવવી જોઈએ અને તેના માટે પશુપાલકોને જાગૃત કરવા જોઈએ. લિંગ વર્ગીકૃત વીર્ય ટેકનીકથી ગૌધનની ગુણવત્તા સુધારશે અને દૂધ ઉત્પાદન પણ વધારી શકાશે. ગુજરાતના પશુપાલકો આ પદ્ધતિ વિશે વધુ માહિતગાર થાય, પશુ ચિકિત્સકો પણ આ માટે તાલીમબદ્ધ થાય અને સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ વ્યાપક બને એવા પ્રયત્નો કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં આ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જાતે પ્રચાર અભિયાનમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌવંશ, પશુધન અને પાંજરાપોળના પ્રશ્નોનો અત્યંત સંવેદનાપૂર્વક ઉકેલ લાવવા પ્રતિબંધ છે. પાંજરાપોળના સંચાલકો સાથે નિયમિત રીતે બેઠક થતી રહેશે અને પશુ કલ્યાણ માટે જરૂરી તમામ પ્રયત્નો અગ્રતાપૂર્વક હાથ ધરાશે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને એ માટે જરૂરી તમામ સહયોગ અને માર્ગદર્શન આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.