કોરોના મહામારીને કારણે નવરાત્રિની મંજૂરી સરકાર આપશે કે નહીં તે અંગે ખેલૈયાઓ અને સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ ઓનર્સ દુવિધામાં છે. ત્યારે રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ ઓનર્સ એસોસિએશન હવે આકરા પાણીએ આવ્યું હોય તેમ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. એસોસિએશને નિર્ણય લીધો છે કે, નવરાત્રિની સરકાર મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સાઉન્ડ સિસ્ટમ નહીં આપવામાં આવે. રાજકોટ, મોરબી, ગોંડલ અને જસદણના 400 સાઉન્ડના ધંધાર્થીઓ આ નિર્ણયમાં જોડાયા છે. રાજકોટ જિલ્લામાં આશરે 4 હજાર લોકોની રોજીરોટી સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આથી લોકડાઉન વખતથી સાઉન્ડનો ધંધો ઠપ્પ રહેવાથી આખરે એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનથી લઈને આજ સુધીમાં એક પણ ઓર્ડર સાઉન્ડ, સ્ટેજ લાઈટના ધંધાર્થીઓને મળ્યો નથી. આથી આ લોકોનો ધંધો મુશ્કેલીમાં મૂકાયો છે અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ વિરાંગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી અમારો ધંધો સાવ બંધ જ છે. માણસોનો પગાર અને ગોડાઉનનું ભાડું ચાલુ છે. અત્યારે બેંકના હપ્તા પણ ચાલુ થઈ ગયા છે. હવે અમારો એક જ આધાર નવરાત્રિ પર છે. નવરાત્રી ચાલુ થાય તો અમારો ધંધો ચાલી શકે તેમ છે. જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો રાજકીય પક્ષના કાર્યક્રમો અમે કરીશું નહીં. નાના-મોટા સાઉન્ડને લઈને બધાએ અત્યાર સુધીમાં ત્રણથી ચાર લાખની નુકસાની ભોગવી છે. રાજકોટમાં 300 સભ્યો અને જિલ્લામાં 100 જેટલા સાઉન્ડ ધંધાર્થીઓ અમારી સાથે જોડાયા છે. અમારી માગણી એટલી જ છે કે બસ હવે નવરાત્રિ ચાલુ થઈ જાય.