સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું. ત્યાર બાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાનમાંથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. ત્યાર બાદ પાપડી ખાતાં ખાતાં બાળક ઘરે સૂઈ ગયું હતું. માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતાં ઊઠ્યું નહિ, જેથી 108માં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્રના રાહુલ સુરવાડે પરિવાર સાથે ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર આવાસમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. રાહુલ ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. એકનો એક દીકરો કુલદીપ છ વર્ષનો હતો. આજે કુલદીપ ઘરે હતો ત્યારે ઘરે રમતાં રમતાં પડી ગયો હતો. જેથી રડવા લાગ્યો હતો. ત્યાર બાદ માતા તેને લઈને ઘરની નીચે લઈ ગઈ હતી અને એક દુકાનેથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. જેથી કુલદીપ પાપડી ખાતાં ખાતાં માતા સાથે ઘરે આવ્યો હતો. ત્યાર બાદ તે સૂઈ ગયો હતો, જેથી માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કુલદીપ ઊઠ્યો નહિ.માતાએ દીકરાને ઉઠાડવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં ન ઊઠતાં આખરે 108માં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાના મોતની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો