કોરોનાના દૈત્યને કાયમી રીતે દેશવટો આપીને, પ્રજાજનોને સુરક્ષા કવચ પ્રદાન કરવાના ભાગરૂપે, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે ગઈકાલે મેગા વેક્સિનેશન ડ્રાઈવહાથધરી હતી. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ, તથા આરોગ્યકર્મીઓએ ડાંગના ડુંગરાઓ ખૂંદીને ડોર ટુ ડોર રસીકરણની કામગીરી હાથધરી હતી.
કલેક્ટર ભાવિન પંડ્યા થી લઈને ગામની આશા સુધીના કર્મયોગીઓએ મોડી રાત્રી સુધી સમર્પિત થઈને સમગ્ર દિવસ દરમિયાન રસીકરણની કામગીરી હાથ ધરી હતી જેના પરિપાક રૂપે દિવસાંતે સાત હજાર લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે ૫૭૨૬ લોકોને રસી આપતા, તંત્રે ૮૧.૮૦ ટકા જેટલી સફળતા હાથ લાગી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા રસીકરણ બાબતે કેટલીક ગેરમાન્યતાઓ, અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. જે અધિકારી, પદાધિકારીઓના પ્રયાસોથી દુર કરવાનું અભિયાન અદરાયુ છે. જેને કારણે છેલ્લા દોઢ બે માસ થી પ્રજાજનોમા હકારાત્મકતા સાથે, રસીકરણ બાબતે સજાગતા પણ આવવા પામી છે.
પ્રજાજનોને કોરોના સામેના અમોઘ શસ્ત્ર સમી રસી વેળાસર લઈને પોતાને, પોતાના પરિવારજનોને સુરક્ષિત કરવાની અપીલ કરતા ડાંગની સ્ટાર ત્રિપુટી મોના પટેલ (મોડેલ, સિંગર, એક્ટ્રેસ), જયુ ચૌર્યા (ઢોલીવુડ સ્ટાર), અને રાહુલ કુમાર (ટેલીવુડ સ્ટાર) એ પણ સ્વયં રસી લઈને પ્રજાજનોને સત્વરે રસી લેવાનો અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તા.૨૮/૦૯/૨૦૨૧ સુધીમા ડાંગ જિલ્લામા લક્ષિત ૧૮૨૪૭૫ ની સામે ૧૨૦૪૭૬ (૬૬.૦૨ %) રસીકરણ નોંધાયુ છે.