દીકરીની બિમારીથી કંટાળી માતાએ બે માસની દીકરીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળથી નીચે ફેંકી દીધી

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (16:46 IST)
પેટલાદની પરણિતાએ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જો કે, જન્મબાદ દીકરી સતત બિમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. બાળકીને કોઇ ફર્ક ન પડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી. બિમાર દીકરીથી કંટાળી માતાએ જ આજે સવારે તેને ત્રીજા માળથી નીચે ફેંકી દઇ હત્યા કરી નાંખી હતી. આ મામલે પતિએ પત્ની વિરુ્દ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના પેટલાદના રાવલી ગામમાં રહેતા આસિફમિયા મલેક તેની પત્ની ફરજાનાબાનુ સાથે રહે છે. બે માસ પહેલાં જ પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. જો કે, જન્મતાની સાથે જ દીકરી બિમારથી પીડાતી હોવાથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. ત્યારે તબીબે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી તકલીફ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરી આંતરાડાનો ભાગ બહાર આવતા દીકરીને નડિયાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં પણ કોઈ ફર્ક ન પડતા દીકરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારના સમયે આસિફમિયાએ ઉઠીને જોયુ તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી અમરીનબાનુ ન હતી.તેમણે હોસ્પિટલના સીસીટીવી ચેક કરાવ્યા ત્યારે તેમની પત્ની ફરજાનાબાનુ તેમની દીકરીને લઈને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી તેઓ તાત્કાલિક નીચે દોડીને જતા દીકરીનું મોત નીપજ્યું હતું. જેથી આ બાબતે ફરજાનાબાનુની પુછપરછ કરતા દીકરી અમરીનબાનુ જન્મથી જ બિમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેને ત્રીજા માળેથી ફેંકીને દીધી હોવાનું જણાવ્યું હતું.આ મામલે પતિ આસિફમિયાએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી ફરજાબાનુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article