નવસારીનું ઐતિહાસિક દાંડી નીમક સત્યાગ્રહ સ્મારક બન્યું તિરંગામય

Webdunia
શનિવાર, 13 ઑગસ્ટ 2022 (11:44 IST)
દેશની એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને દેશના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા ભારત સરકાર સંકલ્પબદ્ધ છે. આઝાદીના ૭૫ વર્ષની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ભારતની આઝાદીની ચળવળના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા રાષ્ટ્રના 75 ઇતિહાસ સ્થળો પર રાષ્ટ્ર ધ્વજ ફરકવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
જે અંતર્ગત આજે નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ કેન્દ્રીય ફિશરીઝ ,પશુપાલન અને ડેરી ઉધોગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી તેમની સાથે  નવસરીના કલેકટર અમિત પ્રકાશ યાદવ અને સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 
કેન્દ્રીય મંત્રી ‘તિરંગા પદયાત્રામાં ગ્રામજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. જેમાં સાંસ્કૃતિક નૃત્ય સાથે રાષ્ટ્રભાવનાના ગીતો, ભારતમાતા કી જયની ગુંજ સાથે તિરંગા યાત્રામાં દરેક લોકોમાં દેશ દાઝની ભાવના  ઉમળી હતી, તિરંગાયાત્રાની સમાપ્તિ બાદ નેશનલ સોલ્ટ સ્મારકમાં ગાંધીજીની પ્રતિમા પાસે કેન્દ્રીયમંત્રીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.          
 
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા નેશનલ સોલ્ટ સ્મારક દાંડી  ખાતે આયોજિત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા દાંડીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે. કેન્દ્રીય મંત્રીશ્રી  પ્રત્યેક રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 
તેમણે આ અવસરે આઝાદીના નવા તીર્થસ્થાનોમાં ગુજરાતના નવસારીનું દાંડી ,રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલ માનગઢ અને કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મ સ્થળ માંડવીમાં લંડન હાઉસનો વિશેષ ઉલ્લેખ કરી આઝાદીના ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા અને નવી પેઢીમાં આઝાદીના ક્રાંતિકારીઓએ આપેલ બલિદાનોની  પ્રેરણા લઈ ઘરે ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રચેતનાની આ પહેલમાં યોગદાન આપે એવી આકાંક્ષા પણ વ્યક્ત કરી તેમણે તિરંગા યાત્રાના સુદ્રઢ આયોજન અને વિશેષ નવસારીના દાંડી સત્યાગ્રહમાં બલિદાન અને યોગદાન  આપનારા સ્વતંત્રતા સેનાનીના પરિવારોને વિશેષ  ઉપસ્થિતિ રાખ્યા તે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
 
આ પ્રસંગે અમિત પ્રકાશ યાદવે પ્રાસંગિક સંબોધન કરી હાજર રહેલા લોકોનો પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દાંડી સ્મારકમાં યોજાયેલ તિરંગા યાત્રાએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવામાં યોગદાન આપશે. નવસારીમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 4 લાખથી વધુ ઝંડા ફરકાવાના છે જે માટે અહીંના લોકોનો ઉત્સાહ અનેરો છે.       
 
આ પ્રસંગે  સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલે ઉપસ્થિત લોકોના દેશભક્તિના જોમ જુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ડેરી ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના પશુપાલન ખેડૂતોમાં થયેલ પ્રગતિના સંધર્ભમાં જણાવ્યું હતું કે આજે દૈનિક પશુપાલકોના ખાતામાં 12 કરોડથી વધુ આવક દૂધના ઉત્પાદનની જમા થાય છે જે આઝાદીના અમૃત મહોત્સવમાં ગર્વ લઈ શકાય તેવી બાબત છે . 
 
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને મહાનુભવોએ સ્વતંત્રસેનાનીના પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે દેશભક્તિ ગીતો પર કલા રજૂ થઈ હતી. પદયાત્રામાં દાંડીના ગ્રામજનો,  પશુપાલકો, સામાજિક સંસ્થા અને ધાર્મિક  સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા.

સંબંધિત સમાચાર

Next Article