સાણંદ ખાતે 67 અબજ રૂપિયાના ખર્ચે આકાર પામનાર ચાઈનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક કાયદાકીય ગુંચવણોને કારણે અટવાયો

Webdunia
બુધવાર, 3 માર્ચ 2021 (12:26 IST)
આનંદીબેન પટેલના કાર્યકાળમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ચીન સાથે કરાર થયો હતો
2019માં સપ્ટેમ્બર માસમાં ધોલેરામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા ચાઈનાએ રૂ.10,500 કરોડના રોકાણના કરાર કર્યા હતાં
 
રાજ્ય સરકારે 2014માં ચીન સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો. ચીન સાથે થયેલો આ કરાર 2021 સુધી પણ કાયદાકિય બાબતોના કારણે હાલ ગૂંચવણમાં હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલ કર્યું છે. આ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ દ્વારા જમની સંપાદન કરવામાં આવ્યું હતું. સાણંદ નજીક 200 હેક્ટર જમીન સામે માત્ર 55 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં આ પાર્ક અંગે સવાલ કર્યો હતો. જેનો સરકારે ગૃહમાં જવાબ પણ આપ્યો હતો. 
આનંદીબેનના કાર્યકાળમાં કરાર થયો હતો
અમદાવાદના સાણંદમાં ટાટા નેનોના આગમન બાદ અન્ય કંપનીઓએ પણ રોકાણ કરવા માટે રસ દાખવ્યો હતો. જેમાં ચાઈના ડેવલપમેન્ટ બેન્કે પણ સાણંદમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનો 2014માં નિર્ણય કર્યો હતો. તે સમયે ચાઈના ડેવલપમેન્ટ બેન્કના વાઈસ મેનેજિંગ ડિરેક્ટર ઝીઓ મિન્ગ ઝેહને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં ચાઈના ડેવલપમેન્ટ બેન્કના વાઈસ મેનેજિંગ ઝીઓ મિન્ગ ઝેહને 67 અબજ રૂપિયાના ખર્ચે આકાર પામનારા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ચીનની કંપનીઓ તેમના યુનિટો આ સ્થાને સ્થાપશે તેમ જણાવ્યું હતું. 
વાયબ્રન્ટ ગુજરાત 2015માં કરાર થયો હતો
વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2015 દરમિયાન આ પાર્ક સ્થાપવા અંગે એમઓયુ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ચાઈના ડેવલપમેન્ટ બેન્ક દ્વારા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કાયદાકિય ગૂંચવણને કારણે 2021માં પણ આ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક શરુ થઈ શક્યો નથી.
ધોલેરામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા કરાર થયા હતાં
રાજ્ય સરકાર અને ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ(સીએએસએમઈ) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વના કરારો 2019ના સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે થયા. જેના ભાગરૂપે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે થયેલા કરાર અંતર્ગત રૂ.10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાઈના ઈન્ડસ્ટ્રિયલ પાર્ક શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article