નાની બહેનને સંતાનમાં એક બાળક જ્યારે મોટી બહેનને બે સંતાન છે
એક બહેને ચૂંગાલમાંથી છુટીને બીજી બહેનને પણ બચાવી અને અમદાવાદ આવી ગઈ
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેન લવ-જેહાદનો શિકાર બની હતી. વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેમના પર અત્યાચાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરાવીને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો હતો. બંન્ને બહેનો જેમતેમ કરીને આ વિધર્મીઓના ચુંગાલમાંથી છૂટી ઘરે આવી ગઈ છે. યુવતીએ વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લવ જેહાદમાં બે બહેનોની જિંદગી બરબાર કરી
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રોજ સવારે ઘરેથી બહાર નીકળું એટલે મને કહેતો હતો કે, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. પહેલા હું એની વાતોમાં આવી ગઈ અને પછી તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી. મને અહીંથી મહારાષ્ટ્ર લઈ ગયો જ્યાં તેણે મારી પાસે એફિડેવિટમાં સહી કરાવી દીધી હતી. જેમાં મારો ધર્મ પરિવર્તન થઈ ગયો હતો તેવું મરાઠીમાં લખ્યું હતું. પીડિતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, હું ગુજરાતી ભણેલી હતી, મરાઠી મને આવડતું ન હતું. પણ પ્રેમમાં એટલી પાગલ હતી એટલે ત્યાં સહી કરી દીધી. મને એમ કે મારા લગ્ન થઈ ગયા છે. પરંતુ ખરેખર અમારા લગ્ન થયા ન હતા અને મારું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે મને તેના ગામ ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો. જ્યાં મને નોનવેજ ખાવા માટે દબાણ કરાતુ હતું.ધીમે ધીમે હું આ ચૂંગાલમાં ફસાઈ ગઈ હતી.
હવે બન્ને બહેનો ન્યાયની માંગ કરી રહી છે
મોટી બહેનને ઉત્તરપ્રદેશના વિધર્મી યુવક ઇકબાલે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અશ્લીલ ફોટો પાડીને લગ્ન કરવાની ધમકી આપીને ભગાડીને યુપી લઈ ગયો હતો. યુવતીને યુપીના પ્રતાપગઢમાં બંધક બનાવીને રાખવામાં આવતી હતી. 7 વર્ષ બાદ યુવતી ઘર છોડીને નાની બહેનને છોડાવવા પહોંચી હતી. નાની બહેન પણ વિધર્મી યુવક સાથે લગ્ન કરીને ફસાઈ હતી. વિધર્મીએ નાની બહેનને ફેસબુકમાં હિન્દુ નામ મંથન જોશીથી સંપર્ક કર્યો હતો. જે બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે યુવકનું નામ મંથન નહીં પણ સોહેલ ખાન છે. લગ્ન બાદ ધર્મ પરિવર્તનના સોગંદનામામાં સહી કરાવી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. હવે બન્ને બહેનો ન્યાયની માંગ કરી રહી છે.
ધર્મ પરિવર્તનના સોગંદનામા પર સહી લઈ લીધી
બન્ને બહેનની સાથે લવ-જેહાદના બનાવમાં મોટી બહેનને તો વિધર્મીએ કોમ્પ્યુટર ક્લાસમાં પ્રેમજાળમાં ફસાવી હતી. ઇકબાલે મોટી બહેનના વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવ્યા બાદ સાથે રહેવા મજબૂર કરી હતી. મજબૂર યુવતીને મુંબઈ લઈ જઈ મરાઠી ભાષાના સોગંદનામામાં સહી કરાવી હતી. યુવતીને લગ્ન કરવાની સહીનું કહી પરંતુ લગ્નના બદલે યુવતી પાસે ધર્મ પરિવર્તનના સોગંદનામા પર સહી લઈ લીધી હતી. જે બાદ યુવતીને લગ્ન કર્યા વગર 7 વર્ષ ઉત્તર પ્રદેશમાં રાખી હતી. યુવતી ચશ્માં બનાવવાના બહાને ઉત્તર પ્રદેશથી ભાગીને અમદાવાદ પહોંચી હતી અને પોતાની બહેનને પણ વિધર્મીની ચૂંગાલમાંથી છોડાવી હતી.સતત યાતનાથી પીડિત બન્ને બહેનો રક્ષણ અને ન્યાયની માગ કરી રહી છે. નાની બહેનને સંતાનમાં એક બાળક પણ છે. જ્યારે મોટી બહેનને બે સંતાન છે.