મોરબીમાં પગાર માંગતા યુવકને માર મારવા મુદ્દે રાણીબા સહિત 6 આરોપી જેલ હવાલે

Webdunia
શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (21:14 IST)
6 accused including Raniba in jail
 શહેરમાં અનુસૂચિત જાતિના યુવકે અડધા મહિનાનો પગાર માંગતા તેને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિતના કુલ છ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. 
 
કોર્ટે તમામ આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં રવાપર ચોકડી પર યુવાનને પગાર આપવાને બદલે માર મારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે એ-ડીવીઝન પોલીસે મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતા આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. તે ઉપરાંત અન્ય આરોપી પરીક્ષિત ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાને પણ પોલીસે ઝડપી લીધા હતાં. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતા છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. 
 
પગાર માંગતાં જ ઓફિસમાં યુવકને માર માર્યો
ફરિયાદી યુવક રવાપર ચોકડી પાસે આવેલા કેપિટલ માર્કેટમાં ચોથા માળે આવેલા રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. અડધા મહિના પછી કામ તેને પર આવવાની ના પાડી હતી. જેથી યુવાન ત્યાંથી નીકળી ગયો હતો. ઓફિસમાં મહિનાની પાંચ તારીખે પગાર જમા થતો હતો. પરંતુ યુવાનનો પગાર જમા થયો નહોતો. યુવાને પગાર જમા ન થતાં પગારની માગણી કરતાં સામેથી યોગ્ય જવાબ ન મળતાં પગાર માટે તેના મિત્રો સાથે ફરિયાદી રાણીબાની ઓફિસે ગયો હતો. જ્યાં રાણીબાએ બધા આરોપીઓ સાથે મળીને યુવાન, તેના ભાઈ અને તેના મિત્રને માર માર્યો હતો. ત્યારબાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article