રાજકોટ એઇમ્સમાં રૂ.10માં નિદાન, રૂ. 375માં 10 દિવસ બે લોકોને ભોજન સાથે રહેવાની સુવિધા

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (11:43 IST)
રાજકોટમાં એઈમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે કારણ કે ગુજરાતે કદી ન જોઇ હોય તેવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબધ્ધ રીતે કરવામાં આવશે અને રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે.જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે તેને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી તે ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણા બધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું પણ વેઇટિંગ લોન્જમાં સારી એવી બેઠક વ્યવસ્થા હશે.

સંબંધિત સમાચાર

Next Article