પાવગઢ - કાળકા માતાનું પવિત્રધામ

Webdunia
P.R

પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.

શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.

પંખીડા તુ ઉડી જજે પાવાગઢ રે
પાવાગઢ ચઢવુ થોડુ કપરું છે, અહી મંદિર સુધી પહોંચવા માટે 250 પગથિયા ચઢવા પડે છે. પણ પાવાગઢ પર રોપ-વે સગવડ પણ છે. જે માચીથી કાળકા મંદિર સુધી બનાવવામાં આવી છે. જે ભક્તો આ પર્વત ચઢી નથી શકતા તેઓ રોપ-વે દ્વારા પણ જઈ શકે છે. ,આ માચી સ્થળ પર તેલિયા તળાવ અને દૂધિયા તળાવ છે.

કહેવાય છે કે, મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે વનરાજ ચાવડાએ આ નગર વસાવેલું હતું. લોકકથાનુસાર, પાવાગઢના મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા આવે છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્‍થળને "સિદ્ધક્ષેત્ર" તરીકે પણ ઓળખવામાં આવે છે.

શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી મૂર્તિ સ્વરૂપે છે. અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે.

દિગંબર જૈન સંપ્રદાયના કુલ નવ પવિત્ર દેરાસરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ પામેલા છે. જેમાથી સાત દેરાસર પર્વત પર દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના ટૂંક પર નિર્માણ પામ્યા છે.

શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન અને વિશાળ મંદિર છે. જેમાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે.

મહાકાળીનું આ પવિત્ર, મહાશક્તિશાળી અને ચમત્કારિક સ્‍થળ, મનોવાંછિત ઉચ્ચપદની પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉત્તમ માનવામાં આવે છે.

પાવાગઢ ગુજરાતના મહાન સંગીતકાર બૈજુ બાવરાનાં જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે પાવાગઢ વડોદરાથી 49 કિલોમીટર દૂર અને અમદાવાદથી 190 કિલોમીટર દૂર આવેલુ છે.

પાવાગઢની ફોટો ગેલેરી જોવા ક્લિક કરો