ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતાઓ, જાણો કોણે કરી આગાહી
શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (12:42 IST)
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
જોકે, હવામાન વિભાગની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારો પૂરતી જ મર્યાદિત છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સુરત અને વડોદરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમની આગાહી મુજબ હળવા વરસાદની આગાહી છે.રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાવાના કારણે શુક્રવારે બપોરથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત અને વડોદરા પંથક સાથે વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.હવામાન વિભાગની અમદાવાદ કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે દિવસ કેટલાક ઠેકાણે હળવો વરસાદ રહેશે. આ બે દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. બે દિવસ બાદ વાદળો હટી જશે.જો માવઠું થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.