ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી
સોમવાર, 4 નવેમ્બર 2019 (12:01 IST)
ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે વીમા કંપનીઓને સૂચના આપી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગના આદિવાસી ખેડૂતોએ પાક વીમો ન લીધો હોવાથી તેમના માટે હવે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં નાના ખેડૂતોને 300 કરોડથી પણ વધુ નુકશાન થયું હોવાનું અનુમાન છે. આ વર્ષે ડાંગરના પાકનું પુષ્કળ ઉત્પાદન થવાનું હતું. ડાંગરનો પાક સામાન્ય રીતે 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે આ વર્ષે ડાંગરના પાક પર 138 દિવસ વરસાદ વરસતા ખેડૂતોનો ઉભો પાક અંતિમ સમયે બરબાદ થઈ ગયો છે. જે ખેડૂતોનો થોડો ઘણો પણ પાક બચ્યો છે તે ખેડૂતોનો પાક કમોસમી વરસાદને કારણે લીલી ઈયળના રોગનો ભોગ બન્યો છે. આ વર્ષે ડાંગરનું બમ્પર ઉત્પાદન થવાનું હતું. પરંતુ ડાંગરની લણણી સમયે જ વરસાદ આવતા ઉભો પાક બળી ગયો છે. અહીંના નાના ખેડૂતોએ પાક ધીરણ લેતા નથી. આ માટે તેમની પાસે હવે કોઈ વિકલ્પ નથી. હવે રાજ્ય સરકાર કહે છે કે પાક વીમા વાળા ખેડૂતોને વળતર આપવામાં આવશે. પરંતુ કુલ ખેડૂતોમાંથી 90 ટકા પાસે પાક વીમો જ નથી. બીજી બાજુ પાકને 90 ટકા નુકસાન થયું છે. પશુઓ માટેનો જે ચારો હતો તે પણ બરબાદ થઈ ગયો છે. અમારી માંગણી છે કે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરાવીને વળતર આપે.