રાજ્યભરમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, નુકસાનીની અરજી કરવા માટે ફકત બે દિવસની સમય મર્યાદા સામે રોષ

શનિવાર, 2 નવેમ્બર 2019 (13:11 IST)
રાજ્યભરમાં પાછોતરા વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે જેના કારણે લીલો દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ઘાસચારો સહિત પાકને વ્યાપક પ્રમાણમા નુકસાની થઇ છે જેથી ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. ખેડૂતોને મોઢામા આવેલ કોળીયો ઝુંટવાઇ ગયો હોય તેવી સ્થિતિનુ અહી નિર્માણ થયુ છે. રાજ્યના કાંઠા સહિત દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના ગામોમાં કમોસમી વરસાદથી ડાંગર અને શાકભાજી સાથેના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં સરવે અને વળતરની માગ ઉઠી રહી છે.દરમિયાન આ પરિસ્થિતિમાં ખેડૂતોના વ્હારે આવવા સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના સરવેની કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે.જેના વલસાડ જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોને રાહત મળી છે. ભારે પવનને કારણે આડો પડી ગયેલો ડાંગરનો પાક વરસાદના પાણી ખેતરોમાં કારણે સડવા લાગ્યો છે. માવઠાંના કારણે પાકને થયેલા નુકસાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જોકે નુકસાનીની અરજી કરવા માટે ફકત બે દિવસથી સમય મર્યાદાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.જેના કારણે ખેડૂતોની પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઇ છે. સર્વે કરી વળતર ચૂકવવા ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વડોદરા જીલ્લામાં ખેડૂતોને હવે ખેતીના નુકશાન પેટે સરકાર સહાય આપે તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જોકે સરકારી સહાય કેવી રીતે મળશે અને તેને લેવા માટે શું કરવું તે અંગે પણ મોટાભાગના ખેડુતો અજાણ છે. ખેડૂતો આ માહીતી મળેવવા નગરપંચાયત અથવા જીલ્લા પંચાયત ખાતે પહોચતા તેમને અધિકારીઓ દ્વારા માહીતી ન અપાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર