કેશોદમાં 90 લાખની તુવેરનું કૌભાંડ થયું, 6 ફરાર

શુક્રવાર, 3 મે 2019 (12:06 IST)

ગુજરાતમાં મગફળી બાદ હવે મોટુ ગણાતું તુવેરદાળનું કૌભાંડ ચર્ચામાં આવ્યું છે. કેશોદના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી તુવેરમાં એકદમ નબળી ગુણવત્તાની તુવેર ભેળવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનામાં સાત સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે વંથલી પોલીસે ભેળસેળ કરનાર ગ્રેડરની અટક કરી છે. ગ્રેડરે રૂ.25 હજારમાં નબળી તુવેરનાં સેમ્પલ પાસ કર્યાની કબુલાત આપી છે. માત્ર 25 હજારની લાલચમાં 90 લાખની તુવેર કૌભાંડ બહાર આવ્યું છે. બનાવની મળતી વિગત મુજબ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે તુવેરની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ નબળી ગુણવતાની તુવેર ખરીદાઇ હોય બે ટ્રક માલ પરત આવ્યો હતો. બાદ આ ઘટનામાં સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ થઇ હતી. ત્યારે વંથલી પોલીસે ગ્રેડર ફેજલ શબ્બીર મુગલની અટક કરી હતી. પોલીસ ફરિયાદ થયાનાં 8 દિવસ બાદ સાતમાંથી માત્ર એક શખ્સની અટક કરાઇ છે. પકડાયેલા શખ્સે કબૂલાત કરી હતી કે તુવેરમાં ભેળસેળ કરવા માટે મને 25 હજાર રૂપિયા મળ્યા હતા. જોકે પોલીસે 25 હજાર રૂપિયા કબજે કર્યા છે. આ ઘટનામાં 90 લાખની તુવેર સીઝ કરવામાં આવી છે. માત્ર 25 હજારની લાલચમાં 90 લાખનું કૌભાંડ આચરાયું છે. આ ઘટનાની તપાસ ડીવાયએસપી જે.બી.બારડ કરી રહ્યા છે. કેશોદ તુવેર કાંડમાં કેટલાક અધિકારીઓ અને મોટા માથાઓની સંડોવણી છે. પરંતુ કયાંયને કયાંય તેમને છાવરવામાં આવી રહ્યા છે. યોગ્ય દિશામાં તપાસ કરાઇ તો અધિકારીઓનાં નામો પણ ખુલે તેમ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર