ચૂંટણી બાદ પાણીનો વિકટ પ્રશ્નઃ સરકારની ગુલબાંગો છતાં ટેન્કર રાજ
ગુરુવાર, 2 મે 2019 (15:11 IST)
ગુજરાતમાં કરોડોના ખર્ચે નર્મદા યોજના આધારિત પાણી પુરવઠા યોજના સહિતની પારાવાર યોજનાઓ અને જાહેરાતો વચ્ચે પણ હજુ રાજ્યના અનેકલ અંતરિયાળ ગામડાઓ જ નહીં પણ કેટલાક ઠેકાણે તો શહેરોમાં પણ લોકોને પીવાના પાણી માટે સરકારી અને ખાનગી પાણીની ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. ખૂદ સરકાર એવું કબૂલે છે કે, રાજ્યમાં 22 તાલુકાઓમાં લોકોને પીવાનું પાણી આપવા માટે પાણીની ટેવ્કરો દોડાવામાં આવી રહી છે. સરકારના સત્તાવાર રાજ્યમાં 62 તાલુકાના 258 ગામો અને 263 ફળિયા મળી કુલ 521 વિસ્તારોમાં 361 ટેન્કરોના 1581 ફેરાઓ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. દરમિયાન પાવીના પાણીની સ્થિતિ અંગે તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા સૌની યોજના મારફતે મચ્છુ-2, મચ્છુ-1, આજી-1, ન્યારી-1, આજી-3, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવ્યા છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે. રાજ્યના અન્ય ડેમ જેવા કે ધરોઈ, શેત્રુંજી વગેરેમાં પાણીનો જે સંગ્રહ ઉપલબ્ધ હોય તે માત્ર ગુજરાત રાજયના હિસ્સાનું હોય છે. જ્યારે, સરદાર સરોવર ડેમ આંતર રાજ્ય યોજના હોવાથી તેમાં સંગ્રહ થયેલ પાણી માત્ર ગુજરાત રાજ્યનું નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હિસ્સાનું તથા તદ્દઉપરાંત ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનું તથા બાષ્પીભવન થનાર જથ્થાનું એમ બધું મળીને હોય છે. હાલમાં ડેમમાં પાણીનું લેવલ 119.50 મીટર છે. અને હાલનો જીંવત સંગ્રહ 0.93 મીલીયન એકર ફીટ છે. હજુ પણ મધ્ય પ્રદેશના ઉપરવાસના ડેમમાંથી 0.35 મીલીયન એકર ફીટ જથ્થો છોડવાનો બાકી રહે છે અને તેથી હાલમાં વધુ પડતું પાણી ઉપરવાસમાંથી છોડાતું હોવાનો કે પાણીનું લેવલ વધારે પડતું હોવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. ગઈ સાલ તા.29 એપ્રિલના રોજ 104.33 મીટર હતુ, એટલે કે ટનલ મારફતે પાણી લેવું પડતુ હતું અને 20 ફેબ્રુઆરી 2018 થી ટનલ નો ઉપયોગ શરૂ કરેલ હતો. તેની સરખામણીએ ચાલુ સાલે પરિસ્થિતિ સારી છે. 30 જુલાઇ-2019 સુધીમાં પીવા/ઘરવપરાશના પાણી માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવાના નાયબ મુખ્ય પ્રધાને દાવો કર્યો છે.