શાકભાજી ખાવ, શરીર તંદુરસ્ત બનાવો...

Webdunia
સોમવાર, 26 જાન્યુઆરી 2009 (14:29 IST)
N.D
લીલા પાનવાળી શાકભાજી શરીર માટે ખુબ જ જરૂરી હોય છે કેમકે તેની અંદર ક્લોરોફિલ નામનું તત્વ હાજર હોય છે જે શરીર અને આંતરડામાં મળી આવતાં હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે. તો આવો જુદી જુદી શાકભાજીના ગુણ વિશે જાણીએ...

પાલક : પાલકનું સેવન કરવાથી શરીરની અંદર રહેલા લાલ રક્ત કણોમાં વૃદ્ધિ થાય છે. લોહી શુદ્ધ બને છે અને હાડકા પણ મજબુત બને છે. આ સિવાય તેમાંથી વિટામીન બી અને સી ભરપુર માત્રામાં મળી આવે છે. પાલકમાં સલ્ફર, સોડિયમ, પોટેશિયમ તેમજ એમિનો એસિડ પણ મળી આવે છે.

મેથી : મેથી વાયુનાશક, કફ મટાડનારી અને તાવમાં લાભકારી હોય છે. આને ખાવાથી કમરના દુ:ખાવામાં અને સાંધામાં આરામ મળે છે અને સાથે સાથે શારીરિક તાકાત પણ મળે છે. આનાથી વિટામીન એ અને બી, કેલ્શિયમ, પ્રોટીન તેમજ કાર્બોહાઈટ્રેડ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

સરસો : સરસોનું સાગ કેલ્શિયમ, ફોસ્ફોરસ અને આયરનથી ભરપુર છે પણ આની પ્રકૃતિ જાડાપણું વધારનારી હોય છે તેથી તેને લસણની સાથે બનાવવું જોઈએ.

ચોળી : ચોળીમાં ભરપુર માત્રામાં રેસા હોય છે અને આ કબજીયાતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનું શાક સ્ત્રીઓ માટે ખુબ જ ગુણકારી હોય છે. તે આંખોની બળતરા અને ગરમીને શાંત કરે છે. તેની અંદર વિટામીન એ, બી, સી અને પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ પુરતી માત્રામાં મળી આવે છે.

સુવા : સોયાના શાકનો પ્રયોગ પાલક સાથે કરવામાં આવે છે. આના પાનની ભાજી ખુબ જ સારી લાગે છે. તેની અંદર કફ, વા અને પેટના ઉભરાને દૂર કરવાના ગુણ હોય છે. તેની અંદર વિટામીન એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આને ખાવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. આ બાળકની પાચન ક્રિયાને પણ સરખી કરે છે.