પાકિસ્તાનમાં ઈશનિંદાની શંકામાં એક પર્યટકની હત્યા, પોલીસ સ્ટેશનમાં ભીડે કરી તોડફોડ

Webdunia
શનિવાર, 22 જૂન 2024 (08:38 IST)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં ગુરુવારે સાંજે ઈશનિંદાના આરોપમાં સિયાલકોટના એક પર્યટકની હત્યા કરી દેવાઈ છે.
 
આ ઘટના બાદ હવે ત્યાં જનારા તમામ બંધ રસ્તાઓ ખોલી નાખવામાં આવ્યા છે, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ લોકોમાં દહેશત છે.
 
ગુરુવારે મદીનમાં ગુસ્સામાં એક ભીડે ઈશનિંદાના આરોપમાં એક પોલીસની કસ્ટડીમાં રહેલા એક પર્યટકને પોલીસ સ્ટેશનની બહાર જબરજસ્તી બહાર કાઢીને તેની હત્યા કરી દીધી.
 
મદીનમાં તોડફોડ અને હિંસા દરમિયાન 11 લોકો ઘાયલ થયા છે જેમાં મોટા ભાગના ઘાયલોની ઉંમર 13થી 24 વર્ષ છે જ્યારે કેટલાકની ઉંમર 34થી 35 વર્ષ છે.
 
શુક્રવારે કોઈ પણ તણાવયુક્ત પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઠેરઠેર પોલીસકર્મીઓ તહેનાત કરી દેવાયા છે.
 
ઘટના એવી છે કે સ્વાતના મદીન વિસ્તારમાં આ ઘટનાને લઈને અલગ-અલગ સમાચારો મળી રહ્યા છે. પોલીસ પણ આ બાબતની જાણકારી મેળવી રહી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ 18 જૂને મદીનની એક હોટલમાં આવી હતી. ગુરુવારે પોલીસને માહિતી મળી કે આ હોટલમાં રહેનારી વ્યક્તિએ ઈશનિંદા કરી છે અને આ વ્યક્તિ હવે એક વાહનમાં સામાન લઈને જઈ રહી છે.
 
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ભીડે આ વ્યક્તિને ઘેરી લીધી હતી.
 
પોલીસ આ વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ આવી પણ તેની પાછળ ભીડ પણ પહોંચી ગઈ. મસ્જિદોમાંથી પણ ઘોષણા થઈ કે આ પર્યટકને પોલીસ લોકોને હવાલે કરે.
 
લોકોએ પોલીસ સ્ટેશનમાં પથ્થરમારો કર્યો અને અંદર ઘૂસી ગયા. આ પર્યટકને ભીડે પોલીસ સ્ટેશન બહાર કાઢીને તેને ટૉર્ચર કરી મારી નાખ્યો.
 
આ મૃતક પર્યટક સિયાલકોટ જિલ્લાનો હોવાનું જણાવાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article