Bone Health Tips : આ લોટની રોટલીઓ ખાવાથી શિયાળામાં તમારા હાડકા થશે મજબૂત અને આ બીમારીઓ પણ રહેશે દૂર

Webdunia
બુધવાર, 21 ડિસેમ્બર 2022 (23:12 IST)
શિયાળાની ઋતુમાં આપણું શરીર મોટેભાગે અનેક બીમારીઓથી ઘેરાયેલું રહે છે. ખાસ કરીને આ ઋતુમાં લોકોને હાડકા સંબંધિત સમસ્યાઓ વધુ રહે છે. આવી સ્થિતિમાં આપણે આપણા શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપણું શરીર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણા શરીરના હાડકા મજબૂત હશે. આ સિઝનમાં તમે તમારા આહારમાં નાના-મોટા ફેરફાર કરીને સ્વસ્થ શરીર મેળવી શકો છો. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારી રોટલીમાં ફેરફાર કરો, ઘઉંની રોટલીને બદલે બાજરી, રાગી, જુવાર અને મકાઈની રોટલી ખાવાનું શરૂ કરો.
 
રાગીનો લોટ
રાગીનાં લોટની રોટલી દરેક રીતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ લોટમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. રાગીની રોટલી હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત આપે છે. આ સાથે એનિમિયાના દર્દીઓ, ડાયાબિટીસના દર્દીઓ અને મેદસ્વી લોકોને રાગીના રોટલા ખાવાની સલાહ આપવામાં આવે છે. આ રોટલીઓ આરોગ્યથી ભરપૂર છે. રાગીના લોટની રોટલી ઠંડી થાય ત્યારે સખત થઈ જાય છે. આવામાં તમે તેને અન્ય લોટ સાથે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.
 
જુવારનો લોટ
જુવારનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે અને તેનું સેવન કરવાથી પાચનક્રિયા સરળ બને છે. આ લોટનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાના દુખાવાથી થતા સોજાને ઓછો કરવામાં પણ તે ખૂબ જ અસરકારક છે. તેની સાથે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. જુવારના લોટનું સતત સેવન કરવાથી સ્થૂળતા અને ગેસ જેવી ફરિયાદ થતી નથી.
 
મકાઈનો લોટ
ખાસ કરીને શિયાળાની ઋતુમાં મકાઈના લોટનું સેવન કરવામાં આવે છે. આ સિઝનમાં મોટાભાગના લોકો મકાઈની રોટલી અને સરસવના શાકનો આનંદ લે છે. પરંતુ મકાઈની રોટલીનું સેવન કરવાથી સાંધાનો દુખાવો ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને હાડકા પણ મજબૂત બને છે. મકાઈમાં વિટામિન એ, સી, કે, બીટા કેરોટીન અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
 
બાજરીનો લોટ
બાજરીના લોટમાં ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પાચનક્રિયાને સ્વસ્થ રાખવા ઉપરાંત બાજરીનો લોટ ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ હાડકા નબળા થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે બાજરી અને રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાનું શરૂ કરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે. બાજરી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

Next Article