વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે છે અને તેઓ અહીં વિવિધ લોકાર્પણ અને વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 એપ્રિલે જામનગર ગોરધનપર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રિયેસસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કહેવાય છે કે GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હશે. તે વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે પણ ઊભરી આવશે.
ડીડી ન્યૂઝ ગુજરાતીના અહેવાલો અનુસાર, વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સીમાચિહ્ન અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના આ નવા પ્રકલ્પ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે, જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે.
આ કેન્દ્રનો હેતુ શો છે?
દેશદુનિયામાં હાલના સમયમાં આયુર્વેદ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચિકિત્સા ક્ષેત્રે પણ આયુર્વેદને મહત્ત્વનું અંગ માનવામાં આવે છે.
પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અનેક નાનામોટા રોગો સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનૉલૉજીનો સમાવેશ કરવામાં આવશે.
આ કેન્દ્ર વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.
આ કેન્દ્રનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાને તકનીકી પ્રગતિ અને પુરાવા આધારિત સંશોધન સાથે સંકલિત કરીને તેની શક્યતાઓને પ્રદર્શિત કરવાનો છે.
કેન્દ્રીય આયુષમંત્રી સર્બાનંદ સોનોવાલેએ રાજકોટ ખાતે પત્રકારપરિષદને સંબોધતા માહિતી આપી હતી કે "બંને (GCTM અને (GAIIS) ઇવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે એક સીમાચિન્હરૂપ બનશે. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઈનોવેશન સમિટ ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઊભું કરવાની તક આપે છે."
સોનોવાલે વધુમાં જણાવ્યું કે, "GCTM પરંપરાગત દવા ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો નક્કી કરવા અને દેશોને વ્યાપક, સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય પ્રણાલી બનાવવામાં મદદ કરવા માગે છે.
વૈશ્વિક દવા કેન્દ્ર અને સીમાચિહ્નો
પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે
પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરીત થશે
સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે
વનસ્પતિઓ અને તેને આધારિત ઉત્પાદનો પર છેલ્લા ઘણા સમયથી ભાર મૂકવામાં આવે છે. એશિયન અને આફ્રિકન વસતિના 80 ટકા લોકો તેમની આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરંપરાગત ઔષધિનો ઉપયોગ કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં પ્રાદેશિક નિયામક ડૉ. પૂનમસિંહે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યા અનુસાર, WHO ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનનો ઉદ્દેશ્ય આરોગ્યસંભાળ માટે સુસંગત અભિગમ વિકસાવીને પરંપરાગત ઔષધીય પદ્ધતિઓની ગુણવત્તા અને સલામતીમાં સુધારો કરવાનો છે.
ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જરૂરિયાત કેમ જણાઈ તે અંગે પૂછવામાં આવતા ડૉ. સિંહે પીટીઆઈને કહ્યું કે 194 ડબ્લ્યુએચઓ સભ્યદેશમાંથી 170 દેશના લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓ અને સ્વદેશી ઉપચારનો ઉપયોગ કરે છે.
ડૉ. પૂનમે કહ્યું કે "ઘણી સરકારોએ પરંપરાગત દવાઓની પરંપરા અને ઉત્પાદનો પર વિશ્વસનીય પુરાવા અને ડેટાનો સમૂહ બનાવવા માટે WHOને સમર્થનની વિનંતી કરી છે."
તેમના મતે, કોવિડ રોગચાળાએ વિશ્વની આરોગ્ય પ્રણાલીઓને વધુ અસર કરી છે અને તમામ દેશોએ ફરી એ જ સ્થિતિમાં પરત ફરવા માટે આરોગ્ય લક્ષ્યો તરફ પ્રગતિને વેગ આપવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોને એકત્ર કરવાની જરૂર છે.
"જોકે પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે, તેમ છતાં તેમની પાસે મજબૂત પુરાવા, ડેટા અને પ્રમાણભૂત માળખાનો અભાવ છે, જે મુખ્ય પ્રવાહની આરોગ્યસંભાળ વિતરણ પ્રણાલીમાં તેના એકીકરણને અટકાવે છે. પરિણામે, લાખો માન્યતાપ્રાપ્ત પરંપરાગત દવાઓ, સુવિધાઓ, ખર્ચ અને ઉત્પાદનો હજુ પણ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી."
તેમના મતે GCTM તેની વૈશ્વિક પહોંચ સાથે ચાર વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગેમ-ચેન્જર બનશે.
સિંહ કહે છે કે આ કેન્દ્ર આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને તમામ માટે સુખાકારીને પ્રોત્સાહન આપવાનાં ત્રણ ટકાઉ વિકાસ લક્ષ્યને આગળ વધારવા માટે પરંપરાગત દવાઓની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે."
આ કેન્દ્ર અન્ય કયાં ક્ષેત્રોમાં યોગદાન આપશે તે અંગે પૂછવામાં આવતા ડૉ. સિંઘે જણાવ્યું હતું કે પરંપરાગત દવા વૈશ્વિક આરોગ્ય, સુખાકારી, સુંદરતા અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોનો એક ભાગ છે. ઘણા દેશોમાં પરંપરાગત દવાઓની સુસ્થાપિત પ્રણાલીઓ છે.
"પરંપરાગત દવાઓ આરોગ્યસંભાળના ગતિશીલ અને વિસ્તરતા ભાગનું પણ પ્રતિનિધિત્વ કરે છે. પરંપરાગત દવાઓનો જે રીતે અભ્યાસ કરવામાં આવે છે તેમાં ઝડપી આધુનિકીકરણ થયું છે."
ડૉ. સિંહ કહે છે કે "કેન્દ્ર એક વિકસિત પ્રમાણભૂત સામાન્ય સાધન સાથે પરંપરાગત જ્ઞાનના સ્રોતોની જાળવણી અને રક્ષણ કરવામાં મદદ કરશે અને તેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે સ્થાનિક વારસો, સંસાધનો સાથે પરંપરાગત દવાઓના સ્રોતનું સંવર્ધન કરશે."
સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત દવા ઍલોપથિક પ્રણાલી સાથે તેના સંકલિત અને પૂરક ઉપયોગ દ્વારા બિન-સંચારી રોગો અને માનસિક બીમારીઓના વધતા ભારને ઉકેલવામાં પણ મદદ કરી શકે છે.
જામનગરની પસંદગી શા માટે?
જામનગર શહેર બિઝનેસ હબ અને ટૂરઝિમ માટે જાણીતું છે. દેશની જાણીતા રિલાયન્સ કંપની પણ જામનગર જિલ્લામાં આવેલી છે.
તો ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા પણ જામનગરમાં આવેલી છે.
જામનગરમાં હવાઈમાર્ગથી માંડીને રોડ અને ટ્રેન પરિવહન પણ સુલભ છે અને શહેરની આજુબાજુમાં મેન્ગ્રૂવ પણ આવેલાં છે.