ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (13:06 IST)
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
 
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
 
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
 
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article