નિર્ભયાને મળ્યો ન્યાય - જાણો માતા-પિતાની આ 7 વર્ષની ન્યાયની લડાઈ દરમિયાન ક્યારે શું થયું?

Webdunia
શુક્રવાર, 20 માર્ચ 2020 (08:51 IST)
સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ નિર્ભયા કેસમાં ન્યાય મળ્યો છે. ચારે ગુનેગારોને સવારે સાડા પાંચ કલાકે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું હતું કે તેમની કાયદાકીય લડત ચાલુ રહેશે અને એક કરતાં વધુ ગુનેગાર હોય ત્યારે તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરવા જેવી કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તે માટે માર્ગદર્શિકા ઘડવા સર્વોચ્ચ અદાલત સમક્ષ માગ કરીશું.
 
આ કેસમાં એક આરોપી રામ સિંહે તા. 11મી માર્ચ, 2013ના દિવસે તિહાર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત ગુના સમયે સગીર હતો, એટલે તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને જો કોઈ સગીર જઘન્ય અપરાધ આચરે તો તેની ઉપર પુખ્તની જેમ જ ખટલો ચલાવવાની જોગવાઈ કરવામાં આવી.
 
ક્યારે શું થયું?
 
- 20 માર્ચ 2020 - દિલ્હીની તિહાર જેલમાં સવારે સાડા પાંચ કલાકે ચારે ગુનેગારોને એકસાથે ફાંસી આપી દેવાઈ.
- 19-20 માર્ચ - વકીલ એ. પી. સિંહે પહેલાં હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ બંને જગ્યાએ ગુનેગારો કાયદાકીય જંગ હારી ગયા.
- 05 માર્ચ, 2020 - દિલ્હીની સ્થાનિક અદાલતે તા. 20મી માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવા માટેનું ડૅથ વૉરંટ કાઢ્યું. આ પહેલાં રાષ્ટ્રપતિએ ગુનેગાર પવન ગુપ્તાની દયાઅરજીને ફગાવી દીધી.
- 02 માર્ચ, 2020 - પવન ગુપ્તાની દયાઅરજી રાષ્ટ્રપતિ સમક્ષ પડતર હોવાને કારણે ફાંસીની તારીખ ટાળી દેવાઈ.
- 17 ફેબ્રુઆરી, 2020 - 3 માર્ચે સવારે છ વાગ્યે ચારેય ગુનેગારોને ફાંસી આપવાનો આદેશ થયો
- 03 ફેબ્રુઆરી, 2020 - નિર્ભયા ગૅંગરેપના ચારેય આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય કે નહીં, તે અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રવિવારે અદાલતોમાં રજા હોય છે, છતાં કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ અદાલતે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
- તા. 19-20 માર્ચ દરિયાન સુપ્રીમ કોર્ટ તથા દિલ્હી હાઈકોર્ટમાં કાયદાકીય જંગ જામ્યો
 - 02 ફેબ્રુઆરી, 2020 - ફાંસીને મોકૂફ રાખવાના પટિયાલા હાઉસ કોર્ટના ચુકાદા સામે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા.
- 01 ફેબ્રુઆરી, 2020 - દિલ્હીની અદાલતે ચારેય ગુનેગારોની ફાંસી આગામી આદેશ સુધી ટાળી.
- 28 જાન્યુઆરી, 2020 - સુપ્રીમ કોર્ટે મુકેશ કુમાર સિંહની દયાઅરજી ઉપર સુનાવણી હાથ ધરી. અદાલતે તેનો ચુકાદો અનામત રાખ્યો.
- 17 જાન્યુઆરી, 2020 - રાષ્ટ્રપતિએ મુકેશ સિંહની દયાઅરજી ફગાવી દીધી એટલે નવું ડૅથ વૉરંટ કાઢવામાં આવ્યું. જેમાં તા. 1 ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ફાંસી આપવાનો સમય નક્કી કરાયો હતો.
- આરોપી મુકેશ કુમારે ખટલાના તબક્કે જ તિહાર જેલમાં ખુદને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધેલી
- 15 જાન્યુઆરી, 2020 - દિલ્હી સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રપતિ સમક્ષ એક ગુનેગારની દયા અરજી પડતર છે, એટલે તા. 22મીએ તમામને ફાંસી ન આપી શકાય. 2014માં સર્વોચ્ચ અદાલતે ફાંસી સંબંધે માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારવામાં આવે, ત્યારથી લઈને ફાંસીની વચ્ચે 14 દિવસનો સમય આપવા કહ્યું હતું.
-14 જાન્યુઆરી, 2020 - સુપ્રીમ કોર્ટે વિનય કુમાર તથા મુકેશ સિંહની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી.
- 08 જાન્યુઆરી, 2020 - ગુનેગાર વિનય કુમાર અને પછી મુકેશ સિંહે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી.
- 07 જાન્યુઆરી, 2020 - દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તા. 22 જાન્યુઆરી, 2020ના સવારે સાત વાગ્યે ચારેય ગુનેગારોને ફાંસી આપવાનું ડૅથ-વૉરંટ કાઢ્યું
- 13 ડિસેમ્બર, 2019 - નિર્ભયાનાં માતા તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસીની તારીખ નક્કી કરવા સંબંધે એક અરજી દાખલ કરવામાં આવી, જેમાં ચારેય દોષીને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
- 12 ડિસેમ્બર, 2019 - તિહાર જેલ વહીવટી તંત્રે ઉત્તર પ્રદેશ જેલ વહીવટી તંત્રને જલ્લાદ ઉપલબ્ધ કરાવી આપવાની વિનંતી કરી.
- 06 ડિસેમ્બર, 2019 - કેન્દ્ર સરકારે એક દોષીની દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી અને તેને નામંજૂર કરવાની ભલામણ કરી.
- જુલાઈ, 2018 - સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષીઓની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી.
- મે, 2017 - સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટની સજાને યથાવત્ રાખી.
- માર્ચ-જૂન, 2014 - દોષીઓએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આવતાં સુધી ફાંસીની સજા સામે સ્ટે આપ્યો.
-13 માર્ચ, 2014 - દિલ્હી હાઈકોર્ટે ફાંસીની સજાને યથાવત્ રાખી.
- 13 સપ્ટેમ્બર, 2013 - ટ્રાયલ કોર્ટે ચાર આરોપીઓને દોષી ગણીને ફાંસીની સજા ફરમાવી.
- 31 ઑગસ્ટ, 2013 - જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે સગીર વયના આરોપીને દોષી ગણાવી ત્રણ વર્ષ માટે બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યો.
- 11 માર્ચ, 2013 - આરોપી રામ સિંહનું તિહાર જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત. પોલીસના કહેવા મુજબ આત્મહત્યા, પણ બચાવ પક્ષના વકીલ અને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ.
- 29 ડિસેમ્બર 2012 - પીડિતાનું સિંગાપોરની હૉસ્પિટલમાં મૃત્યુ. તેમના મૃતદેહને દિલ્હી લાવવામાં આવ્યો.
- 17 ડિસેમ્બર, 2012 - મુખ્ય આરોપી અને બસ ડ્રાઈવર રામ સિંહની ધરપકડ. એ પછીના કેટલાક દિવસોમાં તેમના ભાઈ મુકેશ સિંહ, જિમ ઈન્સ્ટ્રક્ટર વિનય શર્મા, ફળોના વેપારી પવન ગુપ્તા, બસના હૅલ્પર અક્ષયકુમાર સિંહ અને સગીર વયના એક કિશોરની ધરપકડ.
- 16 ડિસેમ્બર, 2012 - ફિઝિયૉથૅરપીનાં 23 વર્ષનાં વિદ્યાર્થિની પર ચાલતી બસમાં છ લોકોએ ગેંગરેપ કર્યો. વિદ્યાર્થિનીનાં પુરુષમિત્રને જોરદાર માર મારવામાં આવ્યો અને બન્નેને ઘાયલ અવસ્થામાં રસ્તે ફેંકી દેવાયાં અને એ પછી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો.
 

સંબંધિત સમાચાર

Next Article