લોકસભા ચૂંટણી 2019 : પાંચમા તબક્કામાં અત્યાર સુધી 50.70 ટકા મતદાન

Webdunia
સોમવાર, 6 મે 2019 (16:48 IST)
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેની સાત રાજ્યોમાં બપોર સુધી ધીમી ગતિથી મતદાન ચાલી રહ્યું હતું. બપોરે એક વાગ્યા સુધી માત્ર 27 ટકા મતદાન નોંધાયું હતું.
જોકે, ત્યારબાદ મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો હતો. અત્યાર સુધી સુધીમાં 50.70 ટકા મતદાન થયું છે.
જેમાં બિહારમાં 44.08% જમ્મુ-કાશ્મીરમાં 15.34%, મધ્ય પ્રદેશમાં 54.15%, રાજસ્થાનમાં 50.41%, ઉત્તર પ્રદેશમાં 44.89%, પશ્ચિમ બંગાળમાં 62.84%, ઝારખંડમાં 58.63% મતદાન થયું છે.
ધોનીએ પરિવાર સાથે મતદાન કર્યું
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું હતું.
 
ભાજપનો બોગસ મતદાનનો આરોપ
ભાજપે પશ્ચિમ બંગાળની બૈરકપુર લોકસભા બેઠક પર બોગસ મતદાનનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું કે આ બેઠક પરના ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ સાથે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ધક્કામુક્કી કરી હતી. તેમજ તેમણે બૈરકપુર મતક્ષેત્રમાં ફરી વાર મતદાનની માગ કરી હતી.
 
મતદાન માટે રાજનાથ સિંહ લાઇનમાં ઊભા રહ્યા હતા. લખનૌમાં રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ માટે મહાગઠબંધન કોઈ પડકાર નથી. હું મહાગઠબંધનના ઉમેદવાર વિશે કંઈ નહીં કહું, કેમ કે મારા મતે ચૂંટણી વ્યક્તિઓ પર નહીં, મુદ્દાઓ પર લડાય છે.
 
આ સાત રાજ્યોમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
પાંચમા તબક્કામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહેબૂબા મુફ્તી સહિતના દિગ્ગજોનું રાજકીય ભાવિ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે.
51 બેઠક ઉપર કુલ 674 ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. આ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં લોકસભાની કુલ 425 બેઠક માટે મતદાન પૂર્ણ થઈ જશે.
પાંચમા તબક્કામાં કુલ આઠ કરોડ 75 લાખ (ચાર કરોડ 63 લાખ પુરુષ તથા ચાર કરોડ 12 લાખ મહિલા) નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
 

સંબંધિત સમાચાર

Next Article