Russian Plane Crash: રૂસ અને યૂક્રેન વચ્ચે બે વર્ષોથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. રોજ બંને તરફથી અનેક લોકો માર્યા જાય છે હવે એક વધુ દુખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ 65 યુક્રેની યુદ્ધ કેદીઓને લઈ જઈ રહેલ રૂસી સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયુ છે. રૂસનુ જે સૈન્ય વિમાન ક્રેશ થયુ તેનુ નામ ઈલ્યૂશિન II-76 મિલિટ્રી પ્લેન છે. આ યુક્રેનની સરહદે આવેલા વિસ્તાર બેલગોરોડમાં ક્રેશ થયું.
પ્લેન ક્રેશ અંગેની માહિતી રશિયાની સરકારી સમાચાર એજન્સી RIA દ્વારા આપવામાં આવી છે. એઆરઆઈએ રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે આ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેદીઓના વિનિમય કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ કેદીઓ ઉપરાંત છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા.
રૂસના રક્ષા મંત્રાલયે હાલમાં આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ક્રેમલિનને અકસ્માતની જાણ હતી પરંતુ તે અંગે વધુ ચર્ચા કરી શકે તેમ નથી.
દરેકના મૃત્યુના અહેવાલ
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસને ટાંકીને પીટીઆઈએ લખ્યું છે કે પ્લેનમાં હાજર તમામ લોકોના મોત થઈ ગયા છે. જો કે, રશિયન સરકાર દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચેના યુદ્ધને 23 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ વખતે બંને દેશો વચ્ચે 48મી કેદીઓની અદલાબદલી થવાની હતી. અત્યાર સુધી બંને દેશોએ ઘણા કેદીઓને મુક્ત કર્યા છે. રશિયાએ 230 યુક્રેનિયન કેદીઓને મુક્ત કર્યા છે જ્યારે યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા છે.