Russia ukrain war- રશિયા-યુક્રેન સંકટ : યુદ્ધના 11મા દિવસે શું-શું થયું?

Webdunia
સોમવાર, 7 માર્ચ 2022 (09:06 IST)
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા દસ દિવસથી અવિરત ચાલી રહેલ યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ રહ્યું હતું.
 
બંને દેશો દ્વારા એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરી ગોળીબાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
 
તેમજ સમગ્ર વિશ્વના નેતાઓ દ્વારા આ મામલે વિવિધ નિવેદનો આવવાનો સિલસિલો પણ જળવાયો હતો.
 
યુક્રેનમાંથી સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા વધુ થઈ હતી.
 
 
 
ઝૅલેન્સ્કીની યુએસ સંસદ પાસે હથિયારો આપવાની માગ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુએસ સંસદના લગભગ 300 સભ્યોને ફરીથી યુક્રેનને નો-ફ્લાય ઝોન ઘોષિત કરવા વિનંતી કરી છે.
 
તેમણે વીડિયો લિંક દ્વારા સંસદના સભ્યોને સંબોધિત કર્યા હતા.
 
સાથે જ ઝૅલેન્સ્કીએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી હતી અને રશિયાને માત આપવા રશિયાનિર્મિત ફાઇટર જેટ આપવા વિનંતી કરી હતી.
 
તેમણે કહ્યું કે યુક્રેનિયન પાઇલટ જાણે છે કે આ વિમાનોને કેવી રીતે ચલાવવું. જવાબમાં સેનેટના નેતા ચક શૂમરે કહ્યું કે તેઓ પૂર્વ યુરોપમાંથી તેને મોકલવા માટે બાઇડન વહીવટીતંત્રને મદદ કરશે.
 
ઝૅલેન્સ્કીએ સંસદનું ધ્યાન વધારાની લશ્કરી સહાય અને માનવતાવાદી સહાયની જરૂરિયાત તરફ પણ દોર્યું. પરંતુ, યુએસ સેનેટે તેમની બે વિનંતીઓ ફગાવી દીધી હતી.
 
પ્રથમ નો-ફ્લાય ઝોન માટેની તેમની માગને નકારી કાઢવામાં આવી હતી, કારણ કે તે નેટોના સભ્ય દેશો માટે રશિયા સાથે સીધી લડાઈમાં સામેલ થવાની શક્યતા ઊભી કરી શકે છે.
 
બીજું, રશિયા પાસેથી તેલ ખરીદવા પરના પ્રતિબંધ પર વધારે કંઈ કરવામાં આવ્યું ન હતું, કારણ કે તેનાથી તેલના ભાવમાં વધારો થવાનો ખતરો હતો.
 
 
 
ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો
તો ગઈ કાલે ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
 
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે, કારણ કે ત્યાં હિંસા ચાલુ છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે.
 
તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.
 
મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં 13,300 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
 
પાછલા 24 કલાક દરમિયાન 15 ઉડાણ થકી 2,900 લોકો ભારત પાછા ફર્યા અને આવનારા 24 કલાકમાં 13 ઉડાણ ભરશે.

સંબંધિત સમાચાર

Next Article