બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામની મહિલા નાળિયેરનાં રેસામાંથી બનાવે છે ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (10:39 IST)
બોટાદ સહિત રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ છે. ત્યારે બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની બહોળી માંગ જોવા મળી રહી છે. બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામનાં ગીતાબેન દ્વારા નારિયેળીના રેસાનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. તેમણે સખીમંડળની મહિલાઓની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવા માટેની તાલીમ લઈને આ મૂર્તિઓ બનાવી છે.
 
 તેઓ પોતાના ઘરમાં જ અન્ય કામકાજની સાથે મૂર્તિ બનાવી પરિવાર અને કુટુંબને મદદરૂપ થઈ રહ્યાં છે. હાલ ગણપતિ મહોત્સવ નિમિત્તે તેમણે વિવિધ પ્રકારની ગણપતિજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ મૂર્તિને શ્રીફળનાં છાલાંમાંથી બનાવવામાં આવી છે સાથોસાથ મૂર્તિને ઊન અને લેસથી શણગારવામાં આવી છે. 
 
બોટાદના લોકોમાં પણ પર્યાવરણના રક્ષણ સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીને ઘરે લઇ આવવાની આતુરતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઇકો ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવવાની આ કળાએ પર્યાવરણની જાળવણી સાથે ગીતાબેન જેવાં મહિલાઓને આર્થિક રીતે પગભર કર્યાં છે. ત્યારે બોટાદવાસીઓ પણ આ કલાને પસંદ કરી ઇકો-ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવાનો સંકલ્પ કરી રહ્યાં છે.
 
દુંદાળા દેવને આવકારવા બોટાદવાસીઓમાં થનગનાટ
જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ 'ગણેશ ચતુર્થી’થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે બોટાદવાસીઓમાં ગણપતિ બાપ્પાને આવકારવા અનેરો ઉત્સાહ છે.  ભક્તો ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે તેમજ ગણેશ પંડાલમાં કોરોનાના નિયમોનું પાલન કરે તે હિતાવહ છે. વિવિધ પંડાલોમાં અને હજારો લોકો પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરશે. 
 
સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે. ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે.ગણેશ પંડાલોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

સંબંધિત સમાચાર

Next Article