પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું થશે? સી.આર પાટીલે આપ્યો મોટો સંકેત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (18:22 IST)
nitin patel
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો 68મો જન્મ દિવસ કડીમાં મનાવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર હતા. સી.આર.પાટીલે નીતિનભાઈ દિલ્હી જશે, તેવો સંકેત એક વાક્યમાં આપી દીધો કે નીતિનભાઈ આજકાલ હિન્દી શીખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ ભવિષ્યમાં નીતિનભાઈના હાથે સારા કામો થાય તેવી શુભકામના પાઠવી આડકતરો ઈશારો કરી દીધો.

આ બધી બાબતો જોતાં એક વાત તો સ્પષ્ટ માનવામાં આવે છે કે નીતિનભાઈને આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળશે અને નવા સંસદ ભવનમાં બેસવા પણ મળશે તેવો તખ્તો હાઈકમાન્ડ દ્વારા ઘડાઈ રહ્યો છે. નીતિન પટેલના 68મા જન્મદિને આજે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 27 સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા દશાબ્દી મહારક્તદાન કેમ્પ અને નીતિન પટેલના શુભેચ્છકો દ્વારા રજત તુલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીતિન પટેલના 22 જૂને 68મા જન્મદિનને દર વર્ષની જેમ તેમના વતન કડીમાં 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા સતત દસમા વર્ષે ટાઉનહોલ ગાયત્રી મંદિર, રામજી મંદિર નાની કડી, કુંડાળ, માથાસુર સહિત સાત સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બપોર સુધી 1500થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓ, સાંસદ, આગેવાનો, 10થી પણ વધુ ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રાજકીય જમાવડો જોવા મળ્યો હતો, જેમાં CM અને સી.આર. પાટીલે આપેલા નિવેદનથી કાકાને દિલ્હી મોકલવાનો તખતો તૈયાર હોય એવું લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article