વડોદરામાં વિન્ટેજકાર રેલી યોજાઈ, શુક્રવારથી એશિયાનો સૌથી મોટો હેરિટેજ કાર શો યોજાશે

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (13:09 IST)
વડોદરામાં શુક્રવારથી એશિયાનો સૌથી મોટો હેરિટેજ કારનો શો યોજાશે. જેને લઈને આજે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કારની રેલી યોજવામાં આવી હતી. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારને જોડવામાં આવી હતી.

તે ઉપરાંત સૌથી મોટી વાત એ હતી કે, 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ છે.આ ઉદ્યોગપતિઓમાં ગૌતમ સિંઘાનિયા( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે. દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં જોડાઈ. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી.એમ.જાડેજાની સનબીમ રેપિયર, એન.કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાઇ હતી. આ ઉપરાંત 1938ની રોલ્સ રોયસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2 આ હેરિટેજ કાર રેલીમાં સામેલ થઈ, જેનું પ્રસ્થાન વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું હતું કે આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી બધી એવી કાર છે, જે મેં પણ પહેલીવાર જોઈ છે.કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર કલેક્ટર મદનમોહને જણાવ્યું હતું કે આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરશે. જ્યાર બાદ 6થી 8 જાન્યુઆરી આ ગાડીઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લોકોને જોવા મળશે.આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળશે. હેરિટેજ કાર્સમાં અમેરિકા, સ્વિટઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સથી આવેલી કાર્સ સામેલ થશે. જેમાં વેટરન અને એડવાર્ડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્ફોર્સમમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે. આ કેન્ફોર્સમાં યુદ્ઘ પહેલાની અમેરિકન, યુરોપિયન તેમજ વિશ્વ યુદ્ઘ બાદની રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લોબોય કાર, બોલિવુડ, ટોલિવુડ, મોલિવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article