સ્ટ્રીટ ડાન્સર 3ડીના પ્રમોશન માટે એક્ટર વરુણ ધવન સહિત ફિલ્મની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચી હતો. રિવરફ્રન્ટ ખાતે યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટીવલમાં બોલીવુડ સ્ટાર વરૂણ ધવન અને શ્રદ્ધાકપૂરે પતંગ ચગાવ્યા હતા. વરુણ ધવનની સાથે ફિલ્મની ટીમે આકાશમાં ચગતા રંગબેરંગી પતંગોને ચગતા જોવાનો લ્હાવો લીધો અને સાથે-સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.
બોલીવુડ સ્ટાર્સ સાથે અમદાવાદીઓએ સેલ્ફી ખેચાવી હતી તો, અમદાવાદીઓ સાથે હાથ મીલાવતા આ સ્ટાર્સએ કેમ છો અમદાવાદ? એમ જણાવતા ઉપસ્થિત જનમેદનીએ હર્ષની ચિચિયારીઓ પાડી હતી.
ફિલ્મના લીડ એક્ટર વરુણ ધવને સ્ટ્રીટ ડાન્સર 3ડી લખેલો ખાસ પતંગ અમદાવાદના આકાશમાં ચગાવ્યો હતો. વરુણની સાથે તેની કો-સ્ટાર શ્રદ્ધા તેને ચીયર કરતી જોવા મળી હતી. તો ફિલ્મના ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ વરુણ માટે ફીરકી પકડી હતી.
આ દરમિયાન વરૂણ ધવને કહ્યું કે, મેં મુંબઇમાં મારા ઘરના ટેરેસ પર બહું પતંગ ચગાવી છે. આજેય ઉત્તરાયમાં તે મિત્રો સાથે પોતાના ઘરના ટેરેસ પર પતંગ ચગાવીને તલ ચિક્કીની મજા લે છે. જો કે ઉત્તરાયણના તહેવારની મજા ગુજરાતમાં વધારે આવે છે. એમાંય વાત જ્યારે અમદાવાદની હોય ત્યારે અમદાવાદમાં પતંગ ચગાવવાની મજા કંઇક ઓર હોય છે .
વરૂણ ધવને એમ પણ કહ્યું કે, તે જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે કોઇને કોઇ તહેવાર હોય છે. ગયા વખતે જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે નવરાત્રિ હતી, તો આ વર્ષે ઉત્તરાયણ છે. જ્યારે શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઉત્તરાયણની અલગ જ મજા છે.
વરુણ ધવને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શ્રદ્ધા કપૂર પતંગ ચગાવી રહેલા વરુણનો જુસ્સો વધારતી જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ ફીરકી પકડી છે. વરુણ પતંગ ચગાવતો હતો ત્યારે આસપાસ રહેલા મીડિયાકર્મીઓ અને ફેન્સ તેને ટિપ્સ આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વરુણ અને શ્રદ્ધા માટે તેમના ફેન્સ ગાંઠિયા, કઢી, જલેબી અને ઢોકળા લઈને આવ્યા હતા. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સનો આભાર માન્યો છે અને ગુજરાતી ખાવાનું ખાવાની મજા આવી હોવાનું જણાવ્યું હતું.