અમદાવાદમાં આયોજનના અભાવે 100થી વધુ લોકો વેક્સિન લેવા માટે લાઇનમાં ધક્કે ચઢ્યા

Webdunia
શનિવાર, 26 જૂન 2021 (12:55 IST)
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનેશનના મહાઅભિયાન અંતર્ગત તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે અમદાવાદમાં 300 જેટલાં વેક્સિનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે, જેથી તમામ લોકોને ઝડપી વેક્સિન મળી રહે, પરંતુ આ વેક્સિનેશન કેમ્પના આયોજનના અભાવને કારણે શહેરના વેજલપુર વિસ્તારમાં લોકોની બેદરકારી સામે આવી છે. લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી.

વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં આ વેક્સિનેશન કેમ્પ વિસ્તારના એક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા AMC સાથે મળીને આયોજિત કરવામાં આવ્યો છે, પરંતુ આયોજન અને વ્યવસ્થા અભાવે હવે અહીં કોરોના વિસ્ફોટ થાય તો એમાં જવાબદાર કોને ગણવા એ સવાલ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે આ બેદરકારી આખા શહેરને ભારે પડી શકે છે.શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે, દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે. શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજિત વસતિ 42 લાખ છે, એ પૈકી 22.50 લાખ, એટલે કે 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ, એટલે કે 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરુઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે.ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, સરખેજ અને અસારવામાં મુસ્લિમોની નોંધપાત્ર વસતિ છે. મ્યુનિ.ના આંકડા પ્રમાણે, આ છ વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18થી મોટા આશરે 2.10 લાખને વેક્સિન અપાઈ છે. આ વિસ્તારોના કેટલા લોકોએ વેક્સિન લીધી છે એનો ચોક્કસ આંકડો કાઢ‌વો મુશ્કેલ હોવાનું મ્યુનિ. અધિકારીએ જણાવ્યું છે. આ છ વિસ્તારોમાં 18થી ઉપરના આશરે 4.14 લાખ લોકો વસે છે. આ વિસ્તારના વેક્સિનેશન સેન્ટરો પર મોટા ભાગે બહારના લોકોએ વેક્સિન લીધી છે, તેથી આ સેન્ટરોનો આંકડો ઊંચો આવે છે.

સંબંધિત સમાચાર

Next Article