ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, 4થી 8 માર્ચ સુધી પડી શકે છે માવઠું

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (14:26 IST)
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે.

આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં મોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે  છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article