અમદાવાદમાં કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને તેના ચાર્જીસ કેટલાં હશે, ડિપોઝીટ કેટલી ભરવી પડશે તેની ચિંતામાં દર્દીના પરિવારજનો પણ મુંઝાયા

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (10:07 IST)
અમદાવાદમાં કોરોના બેકાબુ બની ગયો છે. કેસમાં વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મુંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી તેવી સ્થિતિનું સર્જન થયું છે.  બીજી તરફ ઘેર બેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાંક તબિયત ચોથા કે પાંચમાં દિવસે બગડતા તેમને ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે, ત્યારે તેમના કુટુંબિજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને તેના ચાર્જીસ કેટલાં હશે, ડિપોઝીટ કેટલી ભરવી પડશે તેની ચિંતામાં મુકાઈ જાય છે. મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી. 
 
રેપિડ ટેસ્ટમાં પોઝીટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો નહીં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 108 વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય તેની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે છે. એમાં પણ બીજા રાજ્યનું આધાર કાર્ડ હોય તો વધુ ચકાસણી કરે છે. છેલ્લા 24 કલાકમાં મ્યુનિ.એ 1869 એકટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ ઉપર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ? ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? જો ખરેખર 1869 દર્દીઓ જ હોય તો હોસ્પિટલોના બેડ ખાલી હોવા જોઈએ, એવું કેમ નથી ? તેનો જવાબ કોઈનીય પાસે નથી. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે ત્યારે હવે કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તેમને કોર્પોરેશન પાસેથી અગાઉના લેણાં નીકળતા આશરે 50 કરોડ રૂપિયા મળે નહીં ત્યાં સુધી બેડ રિઝર્વ નહીં આપવાની ચીમકી આપી છે. કોર્પોરેશનના એક અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ગયા વર્ષે મે માસ બાદ શહેરની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખ્યા હતા. સમયાંતરે હોસ્પિટલોને દર મહિને બીલ ચૂકવાઈ રહ્યાં હતા, જોકે છેલ્લે આશરે 50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ રકમ માટે ગયા મહિને ખાનગી હોસ્પિટલોનું એક પ્રતિનિધિ મંડળ મ્યુનિ. કમિશનરને મળ્યું ત્યારે કમિશનરે વહેલી તકે બાકીના રૂપિયા ચૂકવી દેવા કહ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article