સરકારે લીધો મોટો નિર્ણય: હવે રાત્રે 12 વાગ્યા સુધી બોલાવી શકાશે ગરબાની રમઝટ

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (08:53 IST)
નવરાત્રિના રૂડા અવસરને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. જોકે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
 
આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રિમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
 
ગુજરાતભરમાં નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ હોય છે. ગામડાંઓથી લઈને નાના-મોટા શહેરોમાં નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી ગરબાના આયોજનો થતા હોય છે. અગાઉ રાતના 10 વાગ્યા સુધી જ પરવાનગી હતી. એટલે સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ, કે કલબોમાં રાતના 10 વાગ્યે લાઉડસ્પીકર બંધ કરી દેવા પડતા હતા. હવે સરકારે રાતના 12 વાગ્યા સુધી ગરબામાં લાઉડસ્પીકર વગાડવાની મંજુરી આપી છે.આથી ખેલૈયાઓમાં  સરકારના નિર્ણયથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મહાનગરોમાં  ખેલૈયાઓ આવનાર નવરાત્રિને ગરબે ઘુમવા માટે ગરબાઓની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. 
 
કોરોના કાળ દરમિયાન છેલ્લા એક વર્ષથી તમામ તહેવાર ઉપર લોકોના આરોગ્યને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાનો કેસોમાં પણ દિવસે દિવસે ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. આગામી નવરાત્રીના તહેવારને લઈને શહેરના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લે ગરબાના રસિકોએ અલગ અલગ સ્ટેપ ઉપર રમવા માટેની પ્રેક્ટિસ શરૂ પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ નવા ટ્રેડિંગ ચણિયાચોલી પહેરીને ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉત્સાહિત બન્યા છે, આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રહેશે.

સંબંધિત સમાચાર

Next Article