વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં વેરાઈ માતાના મંદિરમાંથી માતાજીની પ્રતિમા કોઈ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરીને તળવામાં ફેંકી દેવામાં આવી છે. જેને પગલે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને આવું કૃત્ય કરનારા સામે તત્વો સામે ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે વેરાઇ માતાની મંદિર બહાર લોકોના એકત્ર થઈ ગયા હતા. માતાજીની પ્રતિમાની શોધખોળ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગઈકાલે રવિવારે કણભા ગામમાં બંને કોમના બે વ્યક્તિના ઘરે લગ્નનો પ્રસંગ હતો. જેના કારણે બંને કોમના લોકો મોટી સંખ્યામાં મહેમાનગતિ માણવા માટે આવ્યા હતા. આ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા રવિવારે રાત્રે ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં મૂકેલી માતાજીની મૂર્તિ ખંડિત કરી હતી અને ત્યાંથી મૂર્તિ લઈને ફરાર ગયા હતા. આ ઘટનાને પગલે કણભા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, કણભા ગામમાં આવેલા વેરાઇ માતાના મંદિરમાં બહેનો પૂજા કરવા માટે ગયા હતા, ત્યારે ખબર પડી હતી કે મૂર્તિને તોડીને કોઇ લઇ ગયું છે. હું પોલીસને વિનંતી કરું છું કે આ મામલે કડક કાર્યવાહી કરે અને આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારી લાગણી દુભાવવાનું કામ કર્યું છે, એને અમે સાંખી નહીં લઇએ. આ મૂર્તિ તોડવાથી એમને કંઇ નહીં મળે. આ કૃત્ય રાત્રે 2થી 3 વાગ્યાના ગાળામાં થયું છે.કરજણ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. કે. ભરવાડે જણાવ્યું હતું કે, વેરાઇ માતાની મૂર્તિ તોડીને તળાવમાં ફેંકી દીધી હોવાની ઘટનાને પગલે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.