સ્ટેમ્પ પેપરની ખરીદીના નવા નિયમો હેઠળ સ્ટેમ્પ વેન્ડર્સ ખતમ થઈ જશે

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:11 IST)
ફ્રેન્કિંગનો અધિકાર મેળવનારી બેન્કો સ્ટેમ્પ વેન્ડર્સના કમિશન કરતાં વધુ કમિશન તેમની પાસેથી સ્ટેમ્પ ખરીદનારાઓને આપી રહી હોવાથી ગુજરાતના સ્ટેમ્પ વેન્ડર્સનો ધંધો સાવ જ પડી ભાંગે તેવી નોબત આવી છે. બીજી તરફ નોટરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી કોણ સ્ટેમ્પ વેચે છે તેની જાણકારી ન ધરાવતા સામાન્ય લોકોને સ્ટેમ્પની ખરીદી કરવા માટે ઠેરઠેર ભટકવાની નોબત આવશે. અત્યારે તો કોઈપણ કોર્ટના દરવાજે પહોંચી જાય તો તેમને ચારથી પાંચ સ્ટેમ્પ વેન્ડર મળી જતાં હોવાથી આમ આદમીને માટે સ્ટેમ્પની ખરીદી અત્યં, સરળ છે. હવે પછી આટલી સરળતાથી સ્ટેમ્પ મળવા મુશ્કેલ બની જશે. ફિઝીકલ સ્ટેમ્પસ મેળવવા માટે ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે

અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. ૧૦૦ પર મળતા ૧૫ પૈસાના કમિશન કરતાં વધુ ૨૦ પૈસાનું કમિશન તેમની પાસે ફ્રેન્કિંગ કરાવનારા વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના ૧૨૦૦થી વધુ સ્ટેમ્પ વેન્ડરોના ધંધા ખતમ થઈ જશે. આ સંજોગોમાં સ્ટેમ્પ વેન્ડર્સને પણ બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરવામાં આવી રહી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવામાં આવી હોવાથી બંધારણ હેઠળ સહુને સમાન તક આપવાના નિયમનો ધરાર ભંગ થઈ રહ્યો છે. સ્ટેમ્પના વેપારમાં વર્તમાન સ્થિતિ અન્યાયકર્તા હોવાનું સ્ટેમ્પ વેન્ડર્સ એસોસિયેશનનું કહેવું છે.

સ્ટેમ્પ વેન્ડરોને રૂા.૧ લાખનો સ્ટેમ્પ વેચે તો માત્ર રૂા.૧૫૦ કમિશન પેટે આપવામાં આવે છે.તેની સામે તેમને સ્ટેમ્પનો સપ્લાય આપતી વચેટિયા કંપની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનને ૬૫ પૈસાનું કમિશન આપવામાં આવે છે. એટલે તેને રૂા.૧ લાખના સ્ટેમ્પ પર રૂા.૬૫૦નું કમિશન મળે છે. તેની સામે ફ્રેન્કિંગ કરી આપતી બેન્કોને રૂા.૧ લાખના સ્ટેમ્પ પર રૂા.૧૦૦૦નું કમિશન આપવામાં આવે છે. આ સ્થિતિ સમાન તક આપવાના બંધારણ દત્ત અધિકાર પર તરાપ સમાને છે.

બીજી તરફ બેન્કો રૂા.૫૦, ૫૦૦ના સ્ટેમ્પ બનાવી આપવામાં આનાકાની કરે છે. બેન્કો મોટી રકમના સ્ટેમ્પ ખરીદવા માટે આવનારા વકીલોને એક રૂપિયાના તેને મળતા કમિશનમાંથી ૧૫થી ૨૦ પૈસાનું કમિશન પણ આપી દેતી હોવાથી સ્ટેમ્પ વેન્ડર પાસે કોઈ જ કમિશન લેવા આવે જ નહિ તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તેથી સ્ટેમ્પ વેન્ડર્સની રોજી મળે તેવી શક્યતા રહી જ નથી. 

અત્યારે સ્ટેમ્પ લેવા માટે કોઈપણ વ્યક્તિ સેશન્સ કોર્ટ કે સિટી સિવિલ કોર્ટમાં જાય તો તેમને તે મળી જાય છે. પરંતુ નવી આવી રહેલી વ્યવસ્થા હેઠળ સ્ટેમ્પ ખરીદનારે નોટરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શોધવા પડશે. તેમને નોટરી કોણ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શોધવા માટે ફાંફા મારવા પડશે. સરકારે નક્કી કરેલી નવી વ્યવસ્થા હેઠળ સ્ટેમ્પ ખરીદનારે સ્ટેમ્પની ખરીદીના હેતુની વિગતો આપતું ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવી અભણ અને સામાન્ય માણસ માટે મુશ્કેલ બનશે.

ફોર્મ ભર્યા પછી તેમાં કોઈ પણ ભૂલ ન હોવાની ખાતરી તેણે આપવી પડશે.તેમાં ભૂલ નીકળશે તો તેને સબરજિસ્ટ્રારની કચેરી સ્વીકારશે નહિ. તેથી તેના પર દસ્તાવેજ બનાવનારાઓએ તેના રિફંડની કાર્યવાહી કરવી પડશે. મોટી રકમનો સ્ટેમ્પ લીધો હશે તો તેનું રિફંડ આવે ત્યાં સુધી ગરીબ વ્યક્તિ નવો સ્ટેમ્પ ખરીદી શકશે નહિ. અન્યથા રિફંડ લઈ આપનાર પોતાનો ચાર્જ તેમાંથી કાપી લેશે. તેથી સામાન્ય માણસને તેમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. તેથી સ્ટેમ્પ ખરીદનાર અભણ અને સામાન્ય વ્યક્તિ ભેરવાઈ જશે. તેણે રિફંડની પ્રક્રિયા કરવી પડશે.

આજની તારીખે બેન્કોને રૂા.૫૦ કે રૂા.૫૦૦ના સ્ટેમ્પનું ફ્રેન્કિંગ કરવામાં બહુ રસ નથી. તેથી તેઓ નાના સ્ટેમ્પ લેવા આવનારાઓને ના પાડી દે છે અથવા તો પછી તેમને ચારથી છ કલાક રાહ જોવડાવે છે. તેથી પણ નાના સ્ટેમ્પ લેવા જનારાઓની હાલાકીમાં વધારો થઈ શકે છે. કોર્ટના આદેશ પ્રમાણે સ્ટેમ્પ વેન્ડર તેમની પાસેના ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ આગામી ૧૪મી નવેમ્બર સુધી કરી શકશે. ત્યારબાદ તેમની પાસે બચી જનારા સ્ટેમ્પનું તેમણે રિફંડ લેવુું પડશે. રિફંડ ૧૫ દિવસમાં આપી દેવાનો દાવો સરકાર કરતી હોવા છતાંય એક મહિનાથી દોઢ મહિના પહેલા રિફંડ મળે તેવી કોઈ જ સંભાવના જણાતી નથી.

સ્ટેમ્પ વેન્ડર્સની બીજી પણ એક દલીલ છે કે ગુજરાત સરકાર જ ફિઝિકલ સ્ટેમ્પ વેન્ડિંગ બંધકરાવવા માટે શા માટે ઉતાવળ કરી રહી છે. અત્યારે દેશના ૩૨ રાજ્યમાં સ્ટેમ્પનું વેચાણ ચાલુ છે. તેમની સાથે આ ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. દેશના દરેક વિસ્તારમાં એક સાથે જ ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરવામાં આવવું જોઈએ. સરકારે ટેક્સ પેયર્સના પૈસાથી છાપેલા,  થ્રેડ માકગ કરેલા અબજો રૂપિયાના સ્ટેમ્પ આજે મોજૂદ છે. આ સ્ટેમ્પનો વપરાશ પૂરો થઈ જાય ત્યાં સુધી તેનું વેચાણ ચાલુ રાખવામાં આવે તો પ્રીન્ટ કરી દેવાયેલા સ્ટોકનો બગાડ થતો અટકી જશે.

સંબંધિત સમાચાર

Next Article