સોમનાથના દર્શન તો તમે અત્યાર સુધી ઓનલાઈન કરતા હશો પણ જો તમને સોમનાથનો પ્રસાદ પણ જો ઘરે બેઠા મળે જાય તો !! પોસ્ટ વિભાગ હવે ઘર બેઠા ગુજરાતના સોમનાથ મહાદેવનું પ્રસાદ પહોંચાડવાનું કામ કરશે. જે માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈ સોમનાથ ટ્રસ્ટના નામે મની ઓર્ડર કરવાનો રહેશે. જેના 3-4 દિવસ દરમિયાન આ પ્રસાદ ઘરે પહોંચશે.
અત્યાર સુધી દેશના મોટા મોટા મંદિરોના દર્શન ઓનલાઇનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે કેટલાંક મંદિરોમા ભક્તજનો ઓનલાઇન પૂજા-અર્ચના પણ કરી શકે છે. જેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધા માટે એક નવી સેવાની શરૂઆત કરી છે. જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘર બેઠા મેળવી શકશે.
આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા MOU કરવામાં આવ્યા છે. ગુજરાત સહિત દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે. જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે અને તેની રસીદ અપવામાં આવશે. જે બાદ સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલવામાં આવશે.
પોસ્ટ વિભાગ દ્વારા તેની મુખ્ય કામગીરી સિવાય અલગ અલગ પ્રકારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં ગંગાજળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અલગ અલગ સોસાયટીમાં જઈને પોસ્ટ સબંધિત સેવા અને આધાર કાર્ડ સંદર્ભેની કામગીરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.