આજકાલ ઓનલાઈનનો જમાનો છે. તમારા દરેક કામ ઝડપથી ઓનલાઈન થઈ જતા હોય છે. લગ્ન માટે પણ વર-કન્યા વેબસાઇટ દ્વારા ઓનલાઈન મળે છે. પરંતુ ઘણીવાર લોકો છેતરાઈ પણ જતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં રહેલા સિદ્ધાર્થ મેહરા નામનો વ્યક્તિ સાદી ડોટ કોમ પર પોતાનું ખોટુ નામ અને હોદ્દો દર્શાવીને યુવતીઓને લગ્નની માયાજાળમાં ફસાવીને રૂપિયા પડાવતો હતો. આ વ્યક્તિ મૂળ યૂપીનો છે અને હાલ અમદાવાદમાં રહે છે. હાલ તો આ યુવકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર, એક યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે જુલીયન ઉર્ફે સિદ્ધાર્થ મેહરાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક છેલ્લા 8 વર્ષથી લગ્નની લાલચ આપીને યુવતીઓને ફસાવતો હતો. ત્યારબાદ તેને લાલચ આપીને રૂપિયા પડાવતો હતો. આ યુવત લગ્નની વેબસાઇટ પર પોતાની ઓળખ આર્મીમાં મેજર હોવાનું કહીને યુવતીઓને લગ્નની લાલચમાં ફસાવી લેતો હતો. ત્યારબાદ યુવતીઓ સાથે સંપર્કમાં આવીને રૂપિયા પડાવતો હતો. એક યુવતી પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ યુવક માત્ર 10 ધઓરણ સુધી ભણેલો છે. 2011માં એક નિવૃત આર્મીમેન સાથે છેતરપિંડીના કેસમાં પણ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. 2013માં વડોદરાની એક યુવતીને લગ્નની લાલચ આપીને તેની પાસેથી 90 હજાર રૂપિયા પડાવ્યા હતા. તો 2016માં અમદાવાદની એક યુવતી પાસેથી લગ્નની લાલચ આપીને 30 લાખની છેતરપિંડી કરી હતી.