ખાનગી સ્કૂલોની ફી મામલે હાઇકોર્ટના આદેશને સરકાર સુપ્રીમમાં નહીં પડકારે : શિક્ષણ મંત્રી

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (15:10 IST)
કોરોના મહામારીમાં વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો એક પરિપત્ર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના વાલીઓના હિતમાં કર્યો હતો. આ મામલે ખાનગી સ્કૂલો હાઇકોર્ટ માં ગઈ હતી. હાઇકોર્ટે વચગાળાનો આદેશ કરતા આ પરિપત્ર રદ કરી દીધો છે. આ મામલે હાઇકોર્ટે વિગતવાર ચુકાદા બાદમાં આપશે. સંચાલકોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવાનો પરિપત્ર રાજ્ય સરકાર કરી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકે છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે છે.  આ મામલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરવામાં આવશે. આ મુદ્દાને અહીં જ પૂરો કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. અમે હાઇકોર્ટ સમક્ષ અમારો અભિપ્રાય રજૂ કરી દીધો છે. આગામી સમયમાં હાઇકોર્ટ જે વિગતવાર ચુકાદો આપશે તેના પરથી નિર્ણય લેવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 13મી એપ્રિલના રોજ સ્કૂલ સંચાલકો સાથે થયેલી ચર્ચા મુજબ એવી સમજૂતી થઈ છે કે સપ્ટેમ્બર સુધી કોઈ પણ સંચાલક વાલી પર ફી માટે દબાણ નહીં કરે.આ મામલે નિવેદન આપતા કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ મંત્રીનું પદ બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે તો વાલીઓના હિત માટે શા માટે સુપ્રીમ કોર્ટમાં નથી જઈ રહી? સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે સરકારે ખૂદ કબૂલ કર્યું છે કે 70 ટકા સ્કૂલોએ ફી ઉઘરાવી દીધી છે. સરકારે પરિપત્ર મોડો જાહેર કરીને સ્કૂલ  સંચાલકોને ફી ઉઘરાવવાનો સમય આપ્યો હતો.ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર કર્યો હતો કે વર્ષ 2020-21માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. ગુજરાત સરકારના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article