સ્મીમેરના ડોક્ટરોએ કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી: બાળક-માતા સંપૂર્ણપણે સ્વસ્થ

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (10:33 IST)
કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરાઈ છે. તા.૧૫ એપ્રિલના રોજ ઈચ્છાપોરની સગર્ભા સુજાતા બિકા પાંડેને પ્રાઈવેટ હોસ્પિટલમાંથી પ્રસુતિ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા,જેઓ કોરોના પોઝિટિવ હોવાથી ખાસ કાળજી લઈ સફળ સિઝેરિયન પ્રસૂતિ કરાવવામાં આવી હતી. સુજાતાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
સુજાતાબેનને દાખલ કરવામાં આવ્યા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ સાથે પ્રસૂતિની પીડા હોવાથી હાલત ગંભીર હતી. જેથી ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીની નિગરાની હેઠળ તરત જ અલાયદા કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતા, અને સફળ સિઝેરિયન ડિલીવરી કરવામાં આવી હતી. કોવિડ માર્ગદર્શિકા મુજબ પ્રસૂતાને ફરજ પરના ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામા આવી હતી. ગાયનેક ડોક્ટરોની મહેનતથી માતા અને બાળકને જીવનદાન મળ્યું હતું.
 
આ અંગે વિગતો આપતાં ડો.અશ્વિન વાછાણી જણાવ્યું હતું કે, 'તા.૧૫ એપ્રિલે પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ઈચ્છાપોરનો પાંડે પરિવારે સગર્ભાને સ્મીમેરમાં દાખલ કરી હતી. સર્ગભા કોરોના સંક્રમિત હોવાથી આઈસોલેશન વોર્ડમા શિફ્ટ કરી સારવાર શરૂ કરી હતી. આવી પરિસ્થિતિમાં દર્દીના મગજમાં હેમરેજ, કોમામાં જવાના ચાન્સ વધુ હોય છે, દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. જેથી સગર્ભા મહિલાને પ્રસૂતિ કરવામાં ઘણા ભયસ્થાનો હતા. સગર્ભા મહિલાનું સફળ સિઝેરિયન કર્યું હતું. પાંચ દિવસની સઘન સારવારના કારણે બાળક-માતા સંપુર્ણપણે સ્વસ્થ છે.'
 
સુજાતાબેને સ્મીમેરના તબીબીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘ગત તા.૮ એપ્રિલના રોજ મને શરદી,ખાંસી, તાવની તફલીક થતાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લીધી, જ્યાં બે દિવસ બાદ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ તા.૧૫ એપ્રિલના રોજ મને અચાનક પ્રસૂતિની પીડા થઈ હતી. મને મારા આવનારા બાળકની ચિંતા હતી, પરંતુ સ્મીમેરના તબીબોએ સિઝેરિયન કરી મારો અને બાળકનો જીવ બચાવ્યો હતો. અહીંના ડોક્ટરોની હું ઋણી છું, જેમણે કોરોનાની કપરી પરિસ્થિતિમાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરી એક પણ રૂપિયો લીધા વિના સારવાર કરી છે. સ્મીમેરના ડોક્ટરની સારવારથી મને અને મારા બાળકને જીવનદાન મળ્યું છે.'

સંબંધિત સમાચાર

Next Article