ગુજરાતમાં પૂર્વ સીએમ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય રૂપાણીએ તેમની પાર્ટીની શિસ્તના વખાણ કર્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમના રાજીનામા સાથે જોડાયેલા સવાલ પર બીજેપી નેતાએ કહ્યું કે એક રાત પહેલા મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું અને બીજા જ દિવસે મેં રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યાના લગભગ એક વર્ષ બાદ આ ઘટનાનો ઉલ્લેખ કરતાં રૂપાણીએ કહ્યું કે મેં રાજીનામું ખુશીથી આપ્યું છે.
અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રૂપાણીએ કહ્યું કે મેં રાજીનામું માંગવાનું કારણ ન તો પૂછ્યું કે ન મને કહેવામાં આવ્યું. જો મેં પૂછ્યું હોત, તો મને કદાચ કહેવામાં આવ્યું હોત. હું પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર હોવાથી મને પૂછવું યોગ્ય ન લાગ્યું. પાર્ટીએ મને જે કરવાનું કહ્યું તે મેં હંમેશા કર્યું.
રૂપાણીએ કહ્યું કે પાર્ટીએ મને સીએમ બનાવ્યો, હું બન્યો. પછી પાર્ટીએ મારી જગ્યાએ બીજા કોઈને સીએમ બનાવવા કહ્યું, તેથી મેં ખુશીથી તે કર્યું. એક સારા કાર્યકરની જેમ હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધ ગયો નથી. મેં હસતા ચહેરા સાથે રાજીનામું આપ્યું હતું.
રૂપાણીને આ મહિને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રૂપાણીએ ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા પંજાબ અને ચંદીગઢની જવાબદારી સોંપવામાં આવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એ રાજ્યમાં સૌથી મોટું પદ છે. મેં ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. આવી સ્થિતિમાં મારી સેવાઓ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવશે તે નિશ્ચિત છે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લગતા એક પ્રશ્ન પર રૂપાણીએ કહ્યું કે હું આ ચૂંટણીમાં પુરી મહેનત સાથે કામ કરીશ જેથી પાર્ટી ફરી એકવાર બે તૃતિયાંશ બહુમતી સાથે સરકારમાં આવી શકે