રાહુલ ગાંધી આજે રિવરફ્રન્ટ પર 52 હજાર બુથના કર્યકરોને સંબોધશે, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

Webdunia
સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (09:40 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગુ ફૂંકવા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે આવશે, પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે સવારે 11  વાગ્યા આસપાસ રિવરફ્રન્ટ વલ્લભ સદન પાછળ બુથના યોદ્ધાઓના સંમેલનને સંબોધશે, ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યા આસપાસ સાબરમતી આશ્રામની મુલાકાત લેશે, જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ ગાંધી બાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે.

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે, આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરશે. ગુજરાતના 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ જશે, ત્યાંથી રિવર ફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે, એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમોને લઈ પ્રદેશ નેતાઓ, પ્રભારી ડો. રઘુ શર્માએ સ્થળ પર જઈ આગોતરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. કોંગ્રેસ કાર્યલાય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે.કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે.

સંબંધિત સમાચાર

Next Article